શહેરમાં આડેધડ રીતે ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા લાંબા સમયથી ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે. દબાણો પર મહાપાલિકા તંત્રના ચાર હાથ હોય તેમ એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ આજદિન સુધી આંખ આડા કાન કરતું રહ્યું છે જેની પાછળનો ચોક્કસ ઇરાદો હોવાનું લોકોમાં સરેઆમ ચર્ચાય છે ત્યારે મ્યુ. કમિશનર ઉપાધ્યાયે ઉપાડેલા અભિયાનમાં છેલ્લા થોડા દિવસથી ગેરકાયદે લારી-ગલ્લા, કેબીનો પણ ઝપટે ચડી રહ્યા છે. શનિવારે નિર્મળનગરમાં આવા દબાણોનો સફાયો કરાવ્યા બાદ ગઇકાલે રવિવારે પણ તંત્રને કમિશનરે કાર્યરત રાખ્યું હતું. જ્યારે આજે સોમવારે શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં કમિશનરે બપોર સુધી હાજર રહીને દબાણોનો સફાયો કરાવ્યો હતો.
શહેરના સાંઢીયાવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રાજેશ્રી ટોકીઝથી લઇને જાેગીવાડની ટાંકી, લીમડીવાળી સડક, રૂવાપરી રોડ તથા બાર્ટન લાઇબ્રેરી સુધી દબાણ કરતા તત્વોનું શાસન હોય તેવી સ્થિતિ હતી. આડેધડ રીતે લારી-ગલ્લા અને કેબીન ખડકી દેવાયા ઉપરાંત દુકાનધારકોએ રોડ પર ઓટલા ચણી લેતા આ વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારો લાંબા સમયથી ભારે યાતના વેઠી રહ્યા હતાં પરંતુ સમાજના જ તત્વોએ દબાણો ખડક્યા હોય તેની સામે વિરોધનો સુર ઉઠાવવામાં સામાજિક પ્રેસર રહેતું તો ઘણા કિસ્સામાં ફરિયાદ કર્યાં બાદ પણ કાર્યવાહી થઇ નથી પરંતુ મ્યુ. કમિશનર ઉપાધ્યાયે ભાવનગરને દબાણમુક્ત કરવા અભિયાન છેડ્યું છે જેમાં એક પછી એક વિસ્તારો તેના ધ્યાને આવતા જાય તેમ તેમ કાર્યવાહી થતી જાય છે. ઉલ્લેખનીય છે કે, એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ કોઇ ચોક્કસ કારણોથી કાર્યવાહી કરતું ન હતું જેમાં ‘માલાફાઇડ’ હેતુ સાથે રાજકીય પ્રેસર પણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જાે કે, કમિશનરે કમર કસતા જ હવે દરેક દબાણકર્તા તત્વો સામે કાર્યવાહી થઇ રહી છે. જેમાં આજે સાંઢીયાવાડ વિસ્તારનો વારો આવી ગયો હતો.
વહેલી સવારથી કમિશનરે એસ્ટેટ, દબાણ હટાવ ઉપરાંત ફાયર બ્રિગેડના ૨૫ જેટલા કર્મચારીઓનો કાફલો સાંઢીયાવાડમાં ઉતાર્યો હતો અને પોતે પણ બપોર સુધી સાંઢીયાવાડમાં હાજર રહ્યા હતાં. કમિશનરના માર્ગદર્શન અને સુચના તળે તંત્રવાહકોએ આ વિસ્તારમાંથી ૪૦થી વધુ લારી-કેબીનો જપ્ત કર્યાં હતાં. જ્યારે દુકાનોની બહાર ચણી લેવાયેલા ઓટલા ઉપર પણ હથોડો વિંઝાયો હતો. બે જેસીબી, એક ક્રેઇન, ચાર ટ્રેક્ટર અને ટ્રક સાથે મહાપાલિકા તંત્રએ ઓપરેશન-ડિમોલેશન હાથ ધર્યું હતું જેના પગલે સબંધિતોમાં દેકારો બોલી ગયો હતો.