બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઉત્તર-પશ્ચિમ બાંગ્લાદેશમાં શનિવારની રાત્રે અજાણ્યા બદમાશોએ 14 હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. પોલીસે રવિવારે આ જાણકારી આપી. ઠાકુરગાંવના બલિયાડાંગી હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે, અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા અને 14 મંદિરોની મૂર્તિઓને તોડફોડ કરી. જ્યારે કેટલાક મંદિરોની મૂર્તિઓ નજીકના તળાવોમાં મળી આવી હતી. બર્મને કહ્યું ગુનેગારોની ઓળખ હજુ બાકી છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે, તેઓ જલ્દી પકડાઈ જાય.
હિંદુ સમુદાયના નેતા અને સંઘ પરિષદના પ્રમુખ સમર ચેટર્જીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર હંમેશા આંતર-ધાર્મિક સૌહાર્દના ક્ષેત્ર તરીકે ઓળખાય છે કારણ કે, અહીં પહેલાં આવી કોઈ જઘન્ય ઘટના બની નથી, અમારી સાથે (હિંદુઓ) કોઈ વિવાદ નથી. બાલિયાડાંગી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર ખૈરૂલ અનમે જણાવ્યું હતું કે, હુમલા શનિવારે રાત્રે અને રવિવારે વહેલી સવારે કેટલાક ગામોમાં થયા હતા.
ઠાકુરગાંવના પોલીસ વડા જહાંગીર હુસૈને પત્રકારોને જણાવ્યું હતું કે, દેશની શાંતિપૂર્ણ પરિસ્થિતિને ખલેલ પહોંચાડવા માટે આ એક સુનિયોજિત હુમલાનો મામલો સ્પષ્ટપણે જણાય છે. તેમણે કહ્યું કે, પોલીસે તરત જ ગુનેગારોને શોધવા માટે તપાસ શરૂ કરી છે. ઠાકુરગાંવના ડેપ્યુટી કમિશનર અથવા વહીવટી વડા મહબુબુર રહેમાને જણાવ્યું હતું કે, આ મામલો શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ વિરુદ્ધનું ષડયંત્ર હોય તેવું લાગે છે અને તે એક ગંભીર ગુનો છે.