પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાંફરીવાર પોલીસ ચોકી પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બાદ ફરી એક જ દિવસમાં બીજો આતંકવાદી હુમલો થયો હોવાના સમાચાર છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ વિસ્ફોટની જવાબદારી લીધી છે.
કેપ્ટન બાબર આઝમ અને શાહિદ આફ્રિદી સહિતના ટોચના પાકિસ્તાની ક્રિકેટરોને રવિવારે, 5 ફેબ્રુઆરી, 2023ના રોજ નવાબ અકબર બુગતી સ્ટેડિયમથી થોડાક માઈલ દૂર આતંકવાદી હુમલા પછી સુરક્ષા દ્વારા તેમના ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. આ ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગની એક પ્રદર્શની મેચ રમી રહ્યા હતા. બોમ્બ વિસ્ફોટ બાદ તેને રોકી દેવામાં આવી હતી. જો કે આ બાદ થોડી જ વારમાં મેચ ફરી શરુ કરી દેવામાં આવી હતી.
પોલીસ લાઈન્સ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એ રવિવારે એક નિવેદનમાં હુમલાની જવાબદારી લીધી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ સુરક્ષા અધિકારીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં છેલ્લા ઘણા સમયથી નાજુક સુરક્ષા સ્થિતિ અને આતંકવાદી હુમલાના સતત ખતરાને કારણે રમતગમતની ગતિવિધિઓ ઠપ થઈ ગઈ છે. વિસ્ફોટનું સ્વરૂપ શું હતું તે સ્પષ્ટ નથી. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનએ તાજેતરના દિવસોમાં આતંકવાદી હુમલાઓ તેજ કર્યા છે.
ગયા અઠવાડિયે પેશાવરમાં પોલીસ લાઇન પર થયેલા આત્મઘાતી હુમલામાં 80 લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. ત્યારબાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે પોતાના કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીની હત્યાનો બદલો લેવા માટે આત્મઘાતી હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેનાએ ઓગસ્ટ 2022માં TTP કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીને મારી નાખ્યો હતો.