ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને જ સાચું શિવ સેના હોવાની માન્યતા આપી છે જેથી ઉદ્વવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે. હવે ‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે.
ઉદ્ધવ ઠાકરે જૂથને એક બાદ એક ઝટકા લાગ્યા છે. પ્રથમ શિંદે જૂથ ભાજપ સાથે મળી જતા ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી વાળી શિવ સેના કોંગ્રેસ અને એનસીપીની મહા આઘાડી સરકાર તૂટી ગઈ હતી. સત્તા ગયા બાદ શિંદે મુખ્યમંત્રી બન્યા અને સાચી શિવ સેના પોતાનું જૂથ હોવાનો દાવો કરેલો. ચૂંટણી પંચ સમક્ષ આ મામલો ચાલ્યો હતો. આ દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં ઉદ્ધવ કે શિંદે જૂથ શિવ સેનાના સિમ્બોલ કે બેનર હેઠળ ચૂંટણી નહિ લડી શકે તેવી વચગાળાનો નિર્ણય આવેલો. આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ચાલી જતા આજે એકનાથ શિંદે જૂથને જ સાચું શિવ સેના હોવાની માન્યતા આપી છે. ‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથને ફાળવાયું છે.
સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેએ ચૂંટણી પંચના આદેશ પર 1999માં પક્ષના બંધારણમાં લોકતાંત્રિક ધોરણોનો સમાવેશ કરવા માટે સુધારો કર્યો હતો, જેને નવા સુધારામાં દૂર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે એ પણ અવલોકન કર્યું હતું કે શિવસેનાના મૂળ બંધારણના અલોકતાંત્રિક ધોરણો, જેને પંચે 1999માં સ્વીકાર્યા ન હતા, તેને ગુપ્ત રીતે બદલવામાં આવ્યા હતા અને પક્ષને જાગીર બનાવી દીધો હતો. ચૂંટણી પંચના નિર્ણય બાદ એકનાથ શિંદેએ કહ્યું કે, આ બાળાસાહેબ ઠાકરેના વિચારોની જીત છે. આ તરફ ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રિમમાં જશું તેમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.