મહાશિવરાત્રી એટલે જીવ અને શિવનો યોગ સાધતો અને શિવ ઉપાસના કરી તેઓને કૃપાપાત્ર થવાનો તહેવાર ગણાય છે આથી જ આજે મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર ગોહિલવાડના શિવાલયોમાં પૂજન, અર્ચન, લઘુરુદ્ર સહિતના કાર્યક્રમો ઉપરાંત ચાર પ્રહરની પૂજા અને આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મહાશિવરાત્રી નિમિત્તે શહેર જિલ્લાના તમામ શિવાલયોને આકર્ષક શણગાર કરવામાં આવ્યો છે. અને ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા માટે ભાવિકો પણ સવારથી જ શિવ મંદિરોમાં ઉમટી રહ્યા છે.
ભાવનગર શહેરના પ્રસિદ્ધ તખ્તેશ્વર મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, થાપનાથ મહાદેવ મંદિર, જશોનાથ મહાદેવ મંદિર, બારસો શિવ મંદિર, ભગવાનેશ્વર મહાદેવ મંદિર તેમજ મહાકાલેશ્વર અને કૃષ્ણેશ્વર મંદિર સહિત શિવાલયોમાં આજે સવારથી જ પૂજન, અર્ચન અને દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા હતા. શિવલિંગ પર ભાવીકોએ દૂધ, જળ, પુષ્પ, બિલિપત્ર, ફળ-ફૂલ, ચોખા, તલ સહિતનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. શિવ મંદિરોમાં સવારે મહાઆરતી બાદ બપોરે પણ આરતી કરવામાં આવી હતી જેમાં ભાવિકો ઉમટી પડ્યા હતાં. દિવસ દરમિયાન ભાવિકોએ લઘુરૂદ્ર, શિવધૂન અને મહાપ્રસાદ સહિતનો લાભ પણ લીધો હતો અને ભોળાનાથને પ્રિય એવી ભાંગનો પ્રસાદ પણ લીધો હતો. ભાવનગર શહેર ઉપરાંત સિહોર ખાતે પણ લોકોએ નવનાથના દર્શન કરવા ઉપરાંત પ્રગટનાથના પણ દર્શન કરી પૂજન-અર્ચન કર્યાં હતાં. જ્યારે જિલ્લાના વિવિધ શિવાલયોમાં આજે સવારથી જ ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા હતાં. આ ઉપરાંત સાંજે મોટાભાગના શિવાલયોમાં દિપમાળ આરતી, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. આમ, લોકોએ આસ્થાભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. (તસવીરો: મૌલિક સોની)