સુરતમાં જાહેર પરિવહન સેવા લોકપયોગી બનાવવા વધુ એક નાગરિક હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે ઉમદા અભિગમથી નિર્ણય લેવાયો છે. શહેરની સીટી બસમાં મહિલાઓ એક હજારના પાસમાં એક વર્ષ મુસાફરી કરી શકશે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં લાભ મેળવી શકે તે માટે સરળ પાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં મહિલાઓ હવે એક હજારના પાસમાં એક વર્ષ જેટલો સમય મુસાફરી કરી શકશે. આખું વર્ષ અનલિમિટેડ મુસાફરીની આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 1 એપ્રિલથી સરલ પાસ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. સરલ પાસ યોજનાનો લાભ બાળકો અને વૃદ્ધો બાદ મહિલાઓને પણ મળશે.
હાલ જાહેર પરિવહન સેવાનો શહેરમાં રોજિંદા અઢી લાખ લોકો લાભ લે છે. આ યોજનામાં ત્રિમાસિક પાસના દર રૂ.300 નક્કી કરવામાં આવ્યો છે. છ માસના પાસનો દર રૂપિયા 500 રખાયા છે જ્યારે એક વર્ષના પાસનો દર રુપિયા એક હજાર રખાવામાં આવ્યો છે. મહાપાલિકાના આ નિર્ણયને મહિલાઓ આવકારી રહી છે, વધતી મોંઘવારીમાં સસ્તા પાસની યોજના લાભદાઈ નિવડશે તેવું પણ જણાવી રહી છે. આ સરળ પાસ યોજનાનો વધુમાં વધુ લાભ લેવાશે અને મહિલાના હિતમાં ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ પણ ઉમેર્યું છે.