ભાવનગર, તા.૧૧
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ધો.૧૦ અને ૧૨નાં કુલ ૫૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે શાળાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને આજે શનિવારે એક શુભેચ્છા સમાંરભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાબ્દિક સ્વાગત કીર્તિભાઈ ઇટાળીયાએ કર્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રેઝરર પંકજભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી હર્ષકાન્તભાઈ રાખશીયા, કમલેશભાઈ મહેતા, ભાવેશભાઈ ગાંધી, હેમંતભાઈ ગાંધી, આચાર્ય નીતાબેન રેયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં શાળાની વિદ્યાર્થીની રમીલા ડોળાસિયાએ વિદાયગીત પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પ્રાથમિક વિભાગના મદદનીશ શિક્ષિકા કીર્તિદાબેન ભટ્ટ, માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક મનુભાઈ ધાંધલિયાએ આશીર્વચન આપી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે સમારંભમાં કમલેશભાઈ મહેતા, મીનાબેન અને નીતાબેન રેયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી લાભુભાઈ સોનાણીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ પટેલે કર્યું હતું જ્યારે આભારદર્શન ઉષાબેન હાડાએ કર્યું હતું.



