મુંબઈને અંતે ‘ગ્રીન સિગ્નલ’ મળી ગયું છે ! 17.50 કરોડ રૂપિયામાં વેચાનારા આઈપીએલના બીજા સૌથી મોંઘા ખેલાડી કેમરન ગ્રીને ધુંઆધાર રમતથી મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને ખુશખુશાલ કરી દીધા છે. તેણે ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી તોફાની ફિફટી બનાવી છે સાથે જ એક વિકેટ લઈને મુંબઈને 14 રને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
રોહિતે 18 બોલમાં છ ચોગ્ગા લગાવીને 28 રન બનાવ્યા હતા. રોહિત આઈપીએલ ઈતિહાસનો ચોથો ખેલાડી પણ બન્યો જેણે છ હજાર રન બનાવ્યા છે. તેણે 232 મેચમાં આ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેના સિવાય વિરાટ કોહલી, શિખર ધવન અને ડેવિડ વોર્નર જ આ મુકામ સુધી પહોંચી શક્યા છે. કે.એલ.રાહુલ સૌથી ઝડપી ચાર હજાર રન (117 ઈનિંગ) બનાવનારો ભારતીય ખેલાડી છે.
હૈદરાબાદ શરૂઆતથી જ ખખડવા લાગ્યું હતું. માત્ર મયંક અગ્રવાલ જ સૌથી વધુ 48 રન બનાવી શક્યો હતો પરંતુ આ માટે તેણે 41 બોલ લીધા હતા. હેનરી ક્લાસેને 16 બોલમાં 36 રન બનાવી થોડી આશા જગાવી પરંતુ પિયુષ ચાવલાએ તેને આઉટ કરી હૈદરાબાદની આશા પર પાણી ફેરવી દીધું હતું. અર્જુન તેંડુલકરે અંતિમ ઓવરમાં આઈપીએલમાં પોતાની વિકેટનું ખાતું ખોલાવ્યું હતું.
આજે બે બળુકી ટીમ વચ્ચે વર્ચસ્વનો જંગ
જયપુરમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટસ વચ્ચે વર્ચસ્વનો જંગ થશે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન અત્યારે પહેલા તો લખનૌ બીજા ક્રમે છે. જો કે રાજસ્થાન અત્યાર સુધીમાં પાંચમાંથી માત્ર એક તો લખનૌ બે મેચ હારી ચૂક્યું છે. રાજસ્થાન વતી યશસ્વી જયસ્વાલ-જોશ બટલર ઉપર સૌની નજર રહેશે કેમ કે આ જોડી 11.20 પ્રતિ ઓવરના હિસાબથી રન બનાવી રહી છે જે આ આઈપીએલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
જ્યારે લખનૌ વતી ઓપનિંગ કરતાં રાહુલ-મેયર્સ 8.43 રન પ્રતિ ઓવરના હિસાબથી રન બનાવી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના ટોપ-4 બેટરોનો સંયુક્ત સ્ટ્રાઈક રેટ 149.21 તો લખનૌના ચાર બેટરોનો સ્ટ્રાઈક રેટ 126.01 છે. આજની મેચમાં બટલર ઉપરાંત નિકોલસ પૂરનનું પ્રદર્શન પણ મહત્ત્વ રાખશે.






