ગુજરાતમાં વારંવાર ‘સમાચાર’ બનતા ગન-લાયસન્સ અને શરાબની પરમીટમાં વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટે ચૂકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે મોટી ઉમર અને ઓછી આવક એ ગન લાયસન્સ રીન્યુ નહી કરવા માટેનું કારણ બની શકે નહી. 80 વર્ષની વય વટાવી ચૂકેલા એક સજજનનું ગન લાયસન્સ રીન્યુ નહી કરવા ઓથોરીટીએ લીધેલા નિર્ણયની પુન: સમીક્ષા કરવા પણ હાઈકોર્ટે જણાવ્યું હતું.
હાઈકોર્ટે જીલ્લા કલેકટર અને રાજયના ગૃહવિભાગના એ નિર્ણય સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ન્યાયમૂર્તિ વૈભવ નાણાવટીએ જણાવ્યું હતું કે અરજદાર છેલ્લા 57 વર્ષથી ગન લાયસન્સ ધરાવે છે અને તેમનો રેકોર્ડ પણ સ્વચ્છ છે. ફકત અરજદાર 80થી વધુ વર્ષની ઉમરના થાય છે અને તેઓ નિવૃત નાગરિક છે તથા ખુદનું આવકવેરા રીટર્ન પણ ફાઈલ કરતા નથી. આ તમામ કારણોથી જ તેમનું ગન લાયસન્સ રીન્યુ કરી શકાય નહી તે વ્યાજબી નથી.
જુનાગઢ જીલ્લાના માંગરોળના અહમેદુદીન શેખ નામના વ્યક્તિ છેક 22 વર્ષની ઉમરના હતા તે સમયથી તેઓ ગન લાયસન્સ ધરાવે છે અને અગાઉ તેઓ એકથી વધુ હથિયાર પણ ધરાવતા હતા પણ હવે તેઓ ફકત એન.બી. બોર રાઈફલ માટેનું તેનું લાયસન્સ જે 2019માં પુરુ થયું હતું તે રીન્યુ કરવા આવેલી અરજી જીલ્લા કલેકટરે નકારી હતી. જેના તારણમાં જણાવ્યું કે શેખ એ સિનીયર સીટીઝનમાં પણ હવે 80 વર્ષની વય વટાવી ચૂકયા છે અને તેમના જીવન પર કોઈ ખતરો પણ નથી તથા તેઓ એવા કોઈ વ્યવસાય સાથે પણ જોડાયા નથી કે જેથી તેઓને આ પ્રકારના લાયસન્સની જરૂર પણ રહે.
શેખએ ગૃહ વિભાગમાં અપીલ કરી હતી પરંતુ ત્યાં પણ કલેકટરના નિર્ણયને યથાવત રખાયો હતો. ઉપરાંત ગૃહ વિભાગના સચીવે એ પણ વધારાનું તારણ આપ્યું કે તેઓ એકલા જ રહે છે તેથી પણ શસ્ત્રની જરૂર નથી. તેઓએ 1982 બાદ આવકવેરા રીટર્ન પણ ફાઈલ કર્યુ નથી જેમ તેઓની આવક સામાન્ય હોય તેવું જણાય છે. ઉપરાંત ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સારી સ્થિતિ છે તેથી અરજદારના જીવન પર પણ કોઈ ખતરો નથી પણ આ સજજન ગૃહ તથા કલેકટર વિભાગના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયમૂર્તિએ એ પણ તારણ આપ્યું. અરજદાર આવકવેરા રીટર્ન ફાઈલ કરતા નથી કે તેઓની ‘ઉમર’ થઈ ગઈ છે. તેવા કારણોથી ગન લાયસન્સનો ઈન્કાર થઈ શકે નહી.




