રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં પેઠા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજથી રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ જોવામાં આવી છે.


