મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો અત્યારથી જ કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે મહારાષ્ટ્ર બીજેપી ફરી MADHAV ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. આ કારણે પાર્ટી મુખ્યત્વે માલી, ધનગર અને વણજારી (બનજારા) સમુદાયના OBC વર્ગને મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર કરવાનું પગલું એ જ વ્યૂહરચનાનો એક ભાગ છે.
મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનાર ચૂંટણીને લઈ હવે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. વાત જાણે એમ છે કે, રાણી અહિલ્યાદેવી હોલકર હિંમત, દાન અને ધાર્મિક કાર્યનું પ્રતીક છે. ધનગર સમાજ તેમને ભગવાનની જેમ પૂજે છે. ધનગર સમુદાય કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, પુણે, અકોલા, પરભણી, નાંદેડ અને યવતમાલ જિલ્લામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લગભગ 100 વિધાનસભા મતવિસ્તારોમાં ધનગર સમાજ હાજર છે.
નિષ્ણાતોનું માનીએ તો, 40થી વધુ વિધાનસભા મતવિસ્તારોમાં ધનગર સમુદાયના લોકો નિર્ણાયક વોટ શેર ધરાવે છે. નોંધનીય છે કે, 2014માં સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેએ ધનગર, માલી અને વણજારા નેતાઓના ગઠબંધન માટે અથાક મહેનત કરી હતી. ભાજપને ચૂંટણીમાં તેનો સારો ફાયદો પણ મળ્યો. 2014માં ભાજપે તેના ઢંઢેરામાં ધનગર સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ટેકનિકલ કારણોસર પૂર્વ સીએમ ફડણવીસે વચન પૂરું કર્યું નથી. જોકે તેના બદલે પાર્ટીએ રાષ્ટ્રીય સમાજ પાર્ટીના વડા મહાદેવ જાનકરને કેબિનેટ મંત્રાલય આપ્યું, જે એક મજબૂત ધનગર નેતા અને મુંડે પરિવારના નજીકના સહયોગી હતા.
આ તરફ 2014 પછી તરત જ ભાજપ નેતૃત્વએ રાજ્યમાં પાર્ટીનો વિસ્તાર કરવા માટે ડઝનબંધ મરાઠા નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા. OBC નેતાઓનું માનવું છે કે, ચૂંટણી બાદ મરાઠા નેતાઓને પણ પાર્ટીમાં વધુ મહત્વ મળ્યું છે. આ પહેલા મરાઠા નેતૃત્વ પર લાંબા સમયથી કોંગ્રેસ અને NCPનું વર્ચસ્વ હતું. ભાજપમાં OBC નેતૃત્વ પણ ઉપેક્ષિત લાગ્યું. 80ના દાયકામાં વંસરાવ ભાગવત પછી મુખ્ય પ્રવાહના રાજકારણમાં કોઈ નેતા જોવા મળ્યો નથી.
ભાજપ તેના ઉચ્ચ વર્ગના નેતૃત્વ માટે જાણીતું છે, પરંતુ પક્ષની છબી બદલવા અને મતની રાજનીતિને સક્ષમ બનાવવા માટે વસંતરાવ ભાગવતે સ્વ.ગોપીનાથ મુંડે, પ્રમોદ મહાજન, પાંડુરંગ ફંડકર, મહાદેવ શિવંકર અને અન્ય (માલી, ધનગર, વણજારી)ની મદદથી સફળતાપૂર્વક MADHAV સૂત્રનો ઉપયોગ કર્યો.





