PM Kisan Samman Nidhi Scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme) દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌથી લોકપ્રિય કલ્યાણ યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ, દર વર્ષે 6,000 રૂપિયા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. ખેડૂતોને આ રકમ 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં મળે છે. પીએમ કિસાન પોર્ટલ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દેશમાં લાભાર્થી ખેડૂતોની સંખ્યા લગભગ 12 કરોડ છે.
ખેડૂતોની આવક વધારવા માટે 2019 માં શરૂ કરવામાં આવી યોજના
હકીકતમાં દેશના ખેડૂતોની આવક વધારવા માટે 2019માં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 13 હપ્તાના રૂપિયા આવી ગયા છે, જ્યારે 14મા હપ્તાના રૂપિયા ટૂંક સમયમાં આવવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિનાની કોઈપણ તારીખે ખેડૂતોના બેંક ખાતામાં આગામી હપ્તાના રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે. દરમિયાન, સારા સમાચાર એ છે કે સરકારે યોજના સંબંધિત પીએમ કિસાન પોર્ટલ પર ત્રણ મોટા ફેરફારો કર્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓ માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
1- ફાર્મર્સ કોર્નર
PM કિસાન પોર્ટલના મોટા ફેરફારો પૈકી એક ફાર્મર્સ કોર્નર છે. જે ખેડૂતો લાભાર્થી બનવાની શરતોને પૂર્ણ કરતા નથી તેઓ પીએમ કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ ફાર્મર્સ કોર્નરનો લાભ લઈ શકે છે અને યોજનામાંથી તેમના નામ દૂર કરી શકે છે. બેનેફિટ સરેન્ડર માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
2- પીએમ કિસાન એપ
તમે પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા યોજના સંબંધિત તમામ લાભો મેળવી શકો છો, તેના માટે તમારે તમારા મોબાઈલમાં પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડશે. તેની લિંક પીએમ કિસાન મોબાઈલ પોર્ટલ પર પણ આપવામાં આવી છે. આ સિવાય તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
3- નેમ કરેક્શન
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, યોજનામાં રજીસ્ટ્રેશન વખતે ખોટા નામ દાખલ થવાના કારણે લાભાર્થીઓના હપ્તાના રૂપિયા અટકી જાય છે. પરંતુ હવે તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમારું નામ સુધારી શકો છો. તેના માટે તમારે આધાર કાર્ડ મુજબ કરેક્શન લિંક પર જવું પડશે, જ્યાં ક્લિક કરતાં જ એક પેજ ખુલશે અને તમને નામ સુધારવાનો વિકલ્પ મળશે.