યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ-2022માં 3.63 લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે. એટલું જ નહીં, વર્ષ-2023માં માત્ર 8 મહિનામાં જ 3.53 લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે, તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. આંકડાઓ મુજબ વર્ષ-2021માં માત્ર 11,319 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા, જેમની સંખ્યા વર્ષ-2022માં 17.77 લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ-2023ના પ્રથમ 8 મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-2023 સુધી ગુજરાતની મુલાકાતે આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો 20લાખ સુધી પહોંચી શકે છે.
નોંધનીય છે કે, વર્ષ-2022માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 85 લાખ 90 હજારથી વધુ હતી, જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 17.77 લાખથી વધુ હતી. એટલે કે, ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 20.17 ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ટ્રૅકિંગ માટે AATITHYAM પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને તેના બોલતા પુરાવા આતિથ્યમ્ પોર્ટલના આંકડાઓ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં વર્ષ 2021 કરતાં 2022માં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ભારે વધારો થયો છે. વર્ષ 2021માં માત્ર 11,319 પ્રવાસીઓએ ગુજરાતની સહેલ માણી હતી, પરંતુ કોરોના કાળ સમાપ્ત થતાં જ ગુજરાત આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા લગભગ 157 ગણી વધી 17 લાખ 77 હજાર 215 થઈ ગઈ.
મહત્વના સ્થળો તથા સુવિધાઓના પગલે પ્રવાસીઓમાં વધારો
ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન લગભગ ઠપ પડી ગયેલા પ્રવાસન ઉદ્યોગે વર્ષ 2022માં મોટી હરળફાળ ભરી છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ તથા ધાર્મિક-આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાહસિક પ્રવાસન સ્થળોમાં થઈ રહેલા વધારા તથા રાજ્ય સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓના પગલે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બનીને ઉપસી રહ્યું છે.






