ભાવનગરના નારી ગામ નજીકથી વરતેજ પોલીસે ઇંગ્લીશ દારૂની ૩૮૨ બોટલ ભરેલી ઇકો કાર સાથે બે શખ્સને ઝડપી લઇ કુલ રૂ. ૨,૭૪,૮૯૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર વરતેજ પોલીસ સ્ટાફ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ તરફથી આવી રહેલ સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર નં.જી.જે.૦૫- આર.કે.- ૧૩૪૩ ને નારી ગામ પાસે અટકાવી કારની તલાશી લેતા કારની અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૮૨ બોટલ, કિં. રૂ.૬૯,૩૯૦ મળી આવી હતી.
વરતેજ પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલો, ઇકો કાર તેમજ ૦૧ મોબાઇલ મળી કુલ રૂ.૨,૭૪,૮૯૦ ના મુદ્દામાલ સાથે પિયુષ રણછોડભાઈ કામળિયા ( રહે. કામરેજ, નંદશાળ ગામ, ગોકુલધામ સોસાયટી, સુરત ) તથા હિતેશભારથી અશોકભારથી ગોસ્વામી ( રહે. કામરેજ, સુરત ) ની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો રઘુ જોશી ( રહે. દેવળીયા, તા તળાજા ) ને આપવાનો હોવાનું જણાવતાં વરતેજ પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહીબીશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.