તળાજામાં આવેલ ફાઇનાન્સ કંપનીના મહિલા બ્રાન્ચ ઓપરેશન મેનેજર કંપનીની કલેક્શનની રકમ બેંકમાં ડિપોઝિટ કરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે કાળા કલરના એકટીવા સ્કૂટર પર આવેલા બે શખ્સો મહિલાનું રોકડ રકમ તેમજ આઈડી પ્રૂફ સહિતના ડોક્યુમેન્ટ સાથેનું પાર્સ ઝુટવીને ફરાર થઈ ગયા હતા. નવ દિવસ પહેલાની આ ઘટના અંગે ફાઇનાન્સ કંપનીના ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજરે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજામાં આવેલી પહલ ફાઇનાન્સ કંપનીના બ્રાન્ચ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા હેતલબેન અરજણભાઈ ભાલીયા ગત તા. ૯/૧૧ ના રોજ ફાઇનાન્સ કંપનીના કલેક્શનની રકમ રૂ. ૭,૮૯,૩૪૫ લઈને ગોપનાથ રોડ પર આવેલ એચડીએફસી બેન્કમાં જમા કરાવવા માટે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બાપા સીતારામ ચોક નજીક પાછળથી કાળા કલરના એકટીવા સ્કૂટર ઉપર સવાર અને મોઢાના ભાગે રૂમાલ બાંધેલા બે શખ્સએ હેતલબેનને ધક્કો મારી પછાડી દઈ તેમનું પર્સ કે જેની અંદર કલેક્શનના રૂ. ૭,૮૯,૩૪૫ રોકડા, હેતલબેનનું અસલ આઈડી પ્રૂફ, અસલ આધાર કાર્ડ, પાનકાર્ડ ઓફિસની ચાવીઓ, પેટીકેશની રકમ રૂ. ૨૨૦૦ તેમજ ઘર ખર્ચના રૂ. ૨૫૦ રાખેલ હતા તે ઝુટવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે હેતલબહેને ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર સચિનભાઈ કીર્તીભાઈ ચાવડાને જાણ કરી હતી. આ બનાવ અંગે ફાઇનાન્સ કંપનીની મુખ્ય કચેરીમાંથી ફરિયાદ કરવાનું જણાવવામાં આવતા તળાજા બ્રાન્ચના ઇન્ચાર્જ મેનેજર સચિનભાઈ કીર્તીભાઈ ચાવડાએ બે અજાણ્યા ઈસમ વિરુદ્ધ નવ દિવસ બાદ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.