પાલીતાણા તાલુકાના રંડોળા ગામના યુવકના ભાઈએ પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ગામમાં રહેતા છ શખ્સોએ લોખંડના પાઇપ વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડતા યુવકને સારવાર અર્થે પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણા તાલુકાના રંડોળા ગામમાં રહેતા દીપકભાઈ લક્ષ્મણભાઈ બાબરિયાના ભાઈ રાકેશભાઈએ ગામમાં રહેતા તેમના સમાજના દિનેશભાઈ હીરાભાઈ મકવાણાની દીકરી જાગૃતિબહેન સાથે પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતની દાઝ રાખી ગઈકાલે રાત્રે દીપકભાઈ તેમના ઘરે હતા ત્યારે સમાજના ચંપાબેન મકવાણાના દીકરાઓ ભાવેશભાઈ, દીપકભાઈ અને કમાભાઈ ઘર સામે દેકારો કરી ગાળો બોલતા હોય દીપકભાઈએ તેમને ગાળો બોલવાનીના કહેતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણેય ભાઈઓએ રામજીભાઈ વાલજીભાઈ મકવાણા, દિનેશભાઈ હીરાભાઈ મકવાણા અને ગૌતમભાઈને બોલાવી લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા ઈજાગ્રસ્ત દીપકભાઈ બાબરીયાને સારવાર અર્થે પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે દીપકભાઈ લક્ષ્મણભાઈ બાબરીયાએ રામજી વાલજીભાઈ મકવાણા, દિનેશ હીરાભાઈ મકવાણા, ગૌતમ, ભાવેશ, દીપક અને કમાભાઈ વિરુદ્ધ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.