વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમ એક પણ વખત પરાજીત થયા વગર સતત વિજયકૂચ કતી રહી છે અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે ત્યારે આવતીકાલે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ રમાશે જેને લઇને ભાવનગરમાં અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે.
ભાવનગરમાં હોટલો, પાર્ટી પ્લોટ, જ્ઞાતિ મંડળો, ફાર્મ હાઉસમાં મેચ વીથ ડિનરના આયોજનો ગોઠવાઇ રહ્યા છે. ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૨૩માં પોતાના ઓલરાઉન્ડ દેખાવ વડે અત્યાર સુધી અપરાજીત રહેલા ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે રવિવારે થવાનો છે. ત્યારે આ મેચની મજા કંઇક અલગ જ હશે.
ભાવનગરમાં વિવિધ હોટેલ, ફૂડ કોર્નર, ધાબા અને પાર્ટી પ્લોટમાં મોટી સ્ક્રીન પર ક્રિકેટ ચાહકો મેચ નિહાળી શકે અને સાથે પસંદગીના વ્યંજનો આરોગી શકે તેના માટેના આયોજનો અત્યારથી ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરની ભાગોળે આવેલા ખાનગી ફાર્મ હાઉસમાં પણ મિત્ર વર્તુળોના જૂથો દ્વારા મોટી સ્ક્રીન પર મેચ અને ડિનરના આયોજનો ગોઠવાઇ રહ્યા છે. જ્ઞાતિ મંડળો, પાર્ટી પ્લોટમાં પણ ખાનગી આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભારતનો ફાઇનલમાં વિજય થાય તો વર્ષ ૨૦૦૭માં ટી-૨૦ અને ૨૦૧૧માં વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ જે રીતે ભાવનગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો તેના માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છ ભારતના વિજય સાથે ચાહકો રસ્તા પર ઉમટી પડી ભવ્ય વિજયોત્સવ મનાવવાના મૂડમાં છે અને બધી જ તૈયારી થઈ ચૂકી છે.