મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A. એલાયન્સના અસ્તિત્વ પર સવાલો ઉભા કરવાનું શરૂ કરી દીધું છે. ગઠબંધનના ઘણા ઘટકોએ કોંગ્રેસની એકલા ચૂંટણી લડવા બદલ ટીકા કરી છે. સાથે જ એ બતાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ I.N.D.I.A. એલાયન્સની નહીં પરંતુ કોંગ્રેસની હાર છે. ત્રણ રાજ્યોમાં હારથી કોંગ્રેસનું જ કદ ઘટશે અને મહાગઠબંધનમાં તેની પાયાની પાર્ટીની સ્થિતિ પણ પડકારવામાં આવશે.
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે, જણાવ્યું હતું કે જો કોંગ્રેસ ‘I.N.D.I.A.’ ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હોત, તો એમપીમાં પરિણામ તેની તરફેણમાં આવ્યું હોત. કોંગ્રેસે સાથી પક્ષો પ્રત્યેના તેના અભિગમ પર પુનર્વિચાર કરવો જોઈએ અને યાદ રાખવું જોઈએ કે, કમલનાથે ચૂંટણી દરમિયાન સમાજવાદી પાર્ટી સાથે બેઠકો વહેંચવાનો વિરોધ કર્યો હતો. શિવસેના અને કોંગ્રેસ વચ્ચેના આ સંઘર્ષનો ઉલ્લેખ કરતા શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ કહ્યું કે આને ટાળવું જોઈતું હતું. તેમણે કોંગ્રેસને તેના ઘટક પક્ષો પ્રત્યે ઉદાર અભિગમ અપનાવવા પણ કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સાથેની સીધી હરીફાઈમાં કોંગ્રેસ ક્યાં પાછી પડી તે અંગે વિચારણા કરવી જોઈએ.
બીજેપી વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનના મુખ્યસુત્રધાર બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે આ ભારત ગઠબંધનની નહીં, પરંતુ કોંગ્રેસની હાર છે. કેરળના મુખ્યમંત્રી અને CPI(M)ના નેતા પી વિજયન કોંગ્રેસ પ્રત્યે ખૂબ જ કઠોર દેખાયા. તેમણે કહ્યું, કોંગ્રેસ પહેલાથી જ વિચારી ચુકી છે કે તે જીતી ગઈ છે અને તેને હરાવી શકાતી નથી. આ વિચાર જ તેના પતનનું કારણ બન્યું.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા મનોજ ઝાએ કોંગ્રેસને સલાહ આપી છે. ઝાએ કહ્યું કે કોંગ્રેસે સમજવું જોઈએ કે ભાજપની સ્વકેન્દ્રિત રાજનીતિનો સામનો કરવા માટે સામૂહિકતા જરૂરી છે. તેમણે કહ્યું કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેવા નેતાઓએ સ્વીકાર્યું છે કે ભારત ગઠબંધનમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. પરંતુ, હવે બોલ કોંગ્રેસના કોર્ટમાં છે. તેમણે સમજવું જોઈએ કે નરેન્દ્ર મોદીના ઘમંડને તોડવા માટે અલાયન્સ ખુબ જરૂરી છે.
તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે ત્રણ રાજ્યોના પરિણામો ભાજપની જીત કરતાં કોંગ્રેસની નિષ્ફળતા વધારે દર્શાવે છે. તેમણે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીને વિપક્ષી ગઠબંધનનો ચહેરો બનાવવો જોઈએ. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘોષે કહ્યું કે TMC એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે.