ફાઇનાન્સ સેક્રેટરી વિનય કવાત્રા તથા GIDCના મેનેજિંગ ડાયરેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ આરબ આમિરાત (UAE) સાથે ટેકનોલોજી, હેલ્થકેર ફેસિલિટી, ફાઇનાન્સ ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે 4 MoU થયા છે. આગામી 5 વર્ષમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ પર કામ કરીશું.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન હાઈડ્રોજન ઊભરતાં ક્ષેત્રો માટે ગુજરાત અનુકુળ જગ્યા છે. ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ પર આવનારા 5 વર્ષમાં તે પ્રકારનું કામ કરીશું. સરકારે લેન્ડ ડેવલોપમેન્ટ પોલિસી બનાવી છે. પ્રાઇમ મિનિસ્ટરનું પણ મુખ્ય ફોકસ તેના પર રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક હિતધારકોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ ટેકનોલોજી ફિન્ટેક અગ્રગણ્ય કંપનીઓ માટે ગિફ્ટ સિટી હબ બની રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, 35 દેશો કન્ટ્રીવાઇડ પાર્ટનર છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ ગુજરાત સરકારનું ફોકસ છે. ધોલેરામાં મેજર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ થશે.
ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદરે બીજી પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહન (EV) માટે આત્મનિર્ભર યોજના અંતર્ગત ગુજરાત સરકારે ઇન્ટેન્સિવ જોગવાઇ કરી છે. જમીનની ઉપલબ્ધતા સહિતની સુવિધા આપવામાં આવે છે. તમામ કંપનીને સીધી કે આડકતરી રીતે આમંત્રણ આપવામાં આવે છે. કંપનીઓ ભારત સરકારના મંત્રાલય સાથે પણ સંપર્ક કરતી હોય છે. બધાંને આમંત્રણ આપીએ છીએ. ત્યારે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ટેસ્લા કંપનીના રોકાણ અંગેના પ્રશ્ન અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.