ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ એચ.ડી.એફ.સી. બેંકના ખાતામાં જમા કરવા આવેલ ખાતાધરકની રકમ પૈકી રૂ. ૫૦૦ ના દરની ૦૯ નંગ ચલણી નોટ ડુપ્લીકેટ નીકળતા બેંકના બ્રાન્ચ મેનેજરે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવામાં આવેલ એચ.ડી.એફ.સી. બેન્કમાં ખાતું ધરાવતા આઇ.આઇ.એફ.એલ. ફાઇનાન્સ લિમિટેડ કંપનીના કર્મચારી સંજયભાઈ ઘનશ્યામભાઈ મહિડા અને યુવરાજસિંહ ગંભીરસિંહ વાળા બેંકમાં રૂ.૯,૫૦,૦૦૦ જમા કરાવવા માટે આવ્યા હતા તે દરમિયાન મશીનમાં નોટની ગણતરી કરતા રૂ. ૫૦૦ ના દરની ૦૯ નોટ રિજેક્ટ થતા બેંકના ટેલરે નોટની તપાસ કરતા આ ચલણી નોટ ડુપ્લીકેટ હોવાનું જણાતા તેમણે બેંકના મેનેજરને જાણ કરી હતી.
બેંક મેનેજર મુનિરભાઈ બાગવાલાએ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને આ નોટ વિશે પૂછતા તેમણે તેમની કંપનીના ગ્રાહકોના ભરણામાં આ નોટ આવી હોવાનું જણાવ્યું હતું.
એચડીએફસી બેન્કના મેનેજર મુનીરભાઈ બસીરભાઈ બાગવાલાએ આર.બી.આઇ. ની જોગવાઈ મુજબ જરૂરી કાર્યવાહી કરી ડુપ્લીકેટ નોટ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.