દેશના પૂર્વી રાજ્ય મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીં મંગળવારેહિંસામાં બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. આગચંપી અને ગોળીબારમાં બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત હિંસામાં ભાજપના યુવા નેતા સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ બાદ ઘાયલ લોકોના સંબંધીઓ ભાગી રહ્યા છે. મહિલાઓને બચાવવા માટે લોકો બૂમો પાડી રહ્યા છે અને તેમને ખુલ્લામાં જતા અટકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, માતા ત્યાં ન જાવ, તમને ગોળી મારી દેવામાં આવશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો. બંને મૃતકોની ઓળખ 33 વર્ષીય નોંગથોમ્બમ માઈકલ અને 25 વર્ષીય મીસ્નામ ખાબા તરીકે થઈ છે. 30 જાન્યુઆરીની સાંજે તેમના મૃતદેહને રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યો હતો.
એક ખાનગી અહેવાલ મુજબ, મણિપુરમાં છેલ્લા એક મહિનામાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગયા વર્ષે 3 મે 2022ના રોજ રાજ્યમાં શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે. રાજ્યમાં ઓછામાં ઓછા 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી હોવા છતાં આઠ મહિનાથી વધુ સમયથી હિંસા ચાલુ છે.