ભાવનગર માર્કેટ યાર્ડમાં બુધવારે હરરાજી શરૂ કરવા મુદ્દે યાર્ડના સત્તાધિશો અને ખેડૂતો વચ્ચે હોબાળો સર્જાતા હરરાજી સાડા ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. યાર્ડના સત્તાધિશો દ્વારા સબ યાર્ડના બદલે મુખ્ય યાર્ડમાં પહેલા હરરાજી શરૂ કરવાનો નિર્ણય કરતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે હરરાજી શરૂ થવામાં વિલંબ થયો હતો. બપોરે ૧ વાગ્યે શરૂ થયેલી હરરાજી સાંજે ૫ વાગ્યે પૂર્ણ થઈ હતી.
ભાવનગર માર્કેટ યાર્ડમા ગત રાત્રીના આશરે અઢીથી પોણા ત્રણ લાખ ગુણી ડુંગળીની આવક થઈ હતી અને બુધવારે ૭૫,૭૬૯ ગુણી ડુંગળીનું વેચાણ થયું હતું. જેમાં ડુંગળીનો ભાવ રૂ.૧૩૦ થી રૂ.૨૬૯ સુધી બોલાયો હતો. હાલ યાર્ડમાં દોઢથી બે લાખ ગુણી ડુંગળી સ્ટોકમાં પડી છે. ઉલ્લેખનીય છે કે, ગત રાતના આવેલી ડુંગળી સબ યાર્ડમાં ઉતારવામાં આવી હતી. નારી ચોકડી પાસેનું સબ યાર્ડ ભરાઈ જતાં મુખ્ય યાર્ડમાં બાકીની ડુંગળી ઠલવાઈ હતી. નિયમ પ્રમાણે યાર્ડના સત્તાધિશો દ્વારા સબ યાર્ડમાં પહેલા આવેલી ડુંગળીની હરરાજી કરવાની હોય છે પરંતુ સત્તાધિશો દ્વારા મુખ્ય યાર્ડમાં પહેલા હરરાજી શરૂ કરવાનો નિર્ણય કરતા હોબાળો થયો હતો. બાદમાં જિલ્લા રજિસ્ટ્રારે મધ્યસ્થી કરતા પુનઃ હરરાજી શરૂ થઈ હતી. બીજી તરફ યાર્ડના સત્તાધિશો પ્રમાણે યાર્ડ દ્વારા જાહેર થાય તે પહેલા સબ યાર્ડમાં ડુંગળીની આવક ઉતરી ગઈ હતી. તેના હિસાબે જુના યાર્ડમાં હરરાજી શરૂ કરતા હોબાળો થયો હતો. બાદમાં સમાધાન થઈ ગયું હતું.