મહુવા તાલુકાના મોટાજાદરા ગામમાં કેરમ રમવા બાબતે માથાકૂટ થતાં બે પરિવારના જૂથ હથિયારો વડે સામસામે આવી ગયા હતા. મારામારીની આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને થઈ હતી. આ બનાવ અંગે બંને જૂથે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના મોટાજાદરા ગામમાં રહેતા મનીષભાઈ ભીમાભાઇ બાંભણિયા, હનીફભાઈ સતારભાઈ અને હિંમતભાઈ વશરામભાઈ જાદવ ગામમાં આવેલ લાલજીભાઈ બારૈયાની દુકાન પાસે કેરમ રમતા હતા તે દરમિયાન તેમના કુટુંબી ભત્રીજા અનિલ રાજુભાઈ બાંભણિયા અને સાગર ભરતભાઈ જોડીયાએ આવી કેરમ રમાડવાનું કહેતા હિંમતભાઈએ થોડીવાર પછી તમને કેરમ રમાડીશું કેમ કહેતા બોલાચાલી થઈ હતી. આ બાબતને લઈને બંને જૂથના પરિવારના સભ્યો લાકડી, તલવાર છરી જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને મારામારીની ઘટનામાં અરજણભાઈ પાંચાભાઇ બાંભણિયા તેમજ સામા પક્ષે યાસ્મીનબેન ઉર્ફે પૂજાબેન હિંમતભાઈ જાદવ તેમજ તેમના ભાઈના દીકરા અરબાઝભાઈને ઇજા થઈ હતી.
આ બનાવ અંગે યાસ્મીનબેન ઉર્ફે પૂજાબેન હિંમતભાઈ જાદવે અનિલભાઈ રાજુભાઈ બાંભણિયા, સાગરભાઇ ભરતભાઈ જોડીયા, પ્રકાશભાઈ દડુભાઇ બાંભણિયા, જગદીશભાઈ રાજુભાઈ બાંભણિયા અને મનીષભાઈ ભીમાભાઇ બાંભણીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે સામાપક્ષે મનીષભાઈ ભીમાભાઇ બાંભણિયાએ હનીફભાઈ સતારભાઈ, હિંમતભાઈ વશરામભાઈ જાદવ, અરબાઝભાઈ ફિરોજભાઈ, યાસ્મીનબેન ઉર્ફે પૂજાબેન હિંમતભાઈ અને ફિરોઝભાઈ ઉર્ફે મુન્નાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા ગ્રામ્ય પોલીસે બંને પક્ષના મળી ૧૦ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.