અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં દરિયાની અંદર બનનારી દેશની પહેલી 7 કિલોમીટર લાંબી ટનલની કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે. કુલ 21 કિલોમીટર લાંબી ટનલની કામગીરી શરૂ થઈ ચૂકી છે બીજી તરફ બુલેટ ટ્રેનને વીજળીની મદદથી 350ની ઝડપે દોડાવવા વિદ્યુતીકરણની કામગીરી માટે કરાર કરી દેવાયા છે.
બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલ્ફાટા વચ્ચે 21 કિમી લાંબી ટનલ બનાવાશે. હાલમાં પાઇલિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટનલમાં અપડાઉન બંને ટ્રેક આજુબાજુમાં બનાવાશે. આ ટનલ ટ્યૂબ આકારની હશે. આ ટનલમાં 37 સ્થળ પર 39 ઉપકરણ કક્ષ પણ બનાશે. ટનલના 16 કિલોમીટરના હિસ્સાને બનાવવા માટે ત્રણ ટનલ બોરિંગ મશીનો ઉપયોગ કરાશે. આ ટનલ જમીનથી લગભગ 25થી 57 મીટર ઊંડી હશે. એમાં પણ પહાડથી 114 મીટર ઊંડું નિર્માણ બિંદુ શિલફાટાની પાસે બનશે.
આ સાથે જ બુલેટ ટ્રેનના વિદ્યુતીકરણ માટે પણ કરાર કરી દેવાયા છે. બુલેટ ટ્રેન 350ની ઝડપે દોડશે. હવે આ ટ્રેનને દોડાવવા માટે સામાન્ય ટ્રેનની જેમ જ વીજળીના વાયર થકી પાવર સપ્લાય આપવો પડે, પરંતુ ટ્રેનની ઝડપ વધુ હોવાથી એની ડિઝાઈન અલગ હશે. વિદ્યુતીકરણ માટે 508 કિલોમીટરની રૂટમાં અલગ-અલગ 14 સબ-સ્ટેશન, 11 સેક્શનિંગ પોસ્ટ, 17 સબ-સેક્શનિંગ પોસ્ટ, 1 ઓટો ટ્રાન્સફોર્મર પોસ્ટ અને ઓવરહેડ ઉપકરણ પણ લગાડાશે. આ ઉપરાંત સુરત, સાબરમતી અને થાણેમાં 11 કેલી બેકબોન અને 125થી વધુ સબ-સ્ટેશન પણ બનાવાશે.