ફ્રાન્સ વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો છે જેમાં મહિલાઓના ગર્ભપાતને કાયદેસર રીતે માન્યતા આપી છે. આ દેશે મહિલાઓના ગર્ભપાતના અધિકારને તેમના બંધારણમાં સમાવેશ કર્યો છે. પરંતુ વિશ્વભરના એન્ટિ એબોર્શન ગ્રૂપ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં કોઈની પણ દરકાર કર્યા વગર મેક્રો સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે. ફ્રાન્સની સંસદમાં આ બિલના પક્ષમાં 780 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં માત્ર 72 મત હતા. ઘણા બધા એબોર્શન રાઇટ્સ એક્ટિવિટ્સ પેરિસમાં એકઠા થયા હતા અને આ નિર્ણયને વધાવી લીધો હતો.
જો સર્વેની વાત કરવામાં આવે તો અમેરિકા અને અન્ય બીજા કોઈ પણ દેશ કરતાં ગર્ભપાતના અધિકારને ફ્રાન્સમાં સૌથી વધુ સમર્થન મળ્યું છે. અહી 80 ટકાથી વધુ લોકોએ ગર્ભપાતને યોગ્ય ગણાવ્યું છે. આ મુદ્દે ફ્રાન્સના વડાપ્રધાન ગ્રેબીએલ અટાલે કહ્યું કે, અમે દરેક મહિલાઓને એક સંદેશો આપવા જઈ રહ્યા છીએ કે તમારું શરીર માત્ર તમારું જ છે. તમારા શરીર પરના કોઈ પણ નિર્ણયો લેવાનો અધિકાર પણ માત્ર તમને જ છે કોઈ બીજાને નહીં!
ફ્રાન્સમાં મહિલાઓને ગર્ભપાતનો કાયદેસરનો અધિકાર 1974થી જ મળેલો છે. અમેરિકની સુપ્રીમ કોર્ટે 2022માં રો વી વેડના ફેંસલાને પલટાવીને ગર્ભપાતના કાનૂની અધિકારને ખતમ કરી દીધો હતો. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેને પહેલેથી જ મહિલાઓને વચન આપ્યું હતું કે ગર્ભપાતનો બંધારણીય હક્ક આપશે. આ સુધારા બિલ જણાવે છે કે ફ્રાન્સમાં ગર્ભપાતની ગેરંટી સાથે સ્વતંત્રતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સની સરકાર મહિલા દિવસના અવસર પર એક મોટા કાર્યક્રમનું આયોજન કરશે અને આ નિર્ણયની ઉજવણી કરશે. ફ્રેન્ચ ડાબેરીઓ આને પોતાની સૌથી મોટી જીત માની રહ્યા છે. કેથોલિક ચર્ચે પણ આ બિલનો વિરોધ કર્યો હતો.