કેન્દ્ર સરકાર મહિલાઓના નેતૃત્વ હેઠળનું અર્થતંત્ર તૈયાર કરવા માટે રોડમેપ બનાવી રહી છે. વર્કફોર્સમાં મહિલાઓની ભૂમિકાને લઇને તૈયાર શ્વેતપત્ર અનુસાર દેશમાં 47 કરોડ વયસ્ક મહિલાઓમાંથી 20% મહિલાઓ વર્કફોર્સમાં છે અને 80% મહિલાઓનું યોગદાન અનપેઈડ કેરગિવર તરીકે છે. એટલે તેઓ ઘરમાં વેતન વગર સંભાળમાં સક્રિય છે. સરકારનો પ્રયાસ છે કે આ 80%( 37 કરોડ)માંથી 50% મહિલાઓને વર્કફોર્સમાં સામેલ કરાય, જેથી જીડીપીમાં 12-14%ની વૃદ્ધિ થઇ શકે.
શ્વેતપત્ર તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવનારા ફિક્કી લેડિઝ ઑર્ગેનાઇઝેશનનાં પ્રમુખ સુધા શિવકુમારે ભાસ્કરને જણાવ્યું કે અનપેઈડ કેરગિવરને સ્થાને સ્કિલ્ડ કેરગિવરને લવાશે. તેનાથી વર્કફોર્સમાં પ્રોફેશનલ મહિલાઓનું યોગદાન વધશે. ભારતમાં અનપેઈડ કેરવર્ક કુલ જીડીપીના 15% છે. ભારતમાં જીડીપીના 2% કેર ઇકોનોમી પર ખર્ચાય તો રોજગારીની 1.10 કરોડ તકનું સર્જન થશે.
શ્વેતપત્ર અનુસાર, ભારત સહિત વિશ્વભરમાં ત્રણ ચતુર્થાંશ એટલે કે 60.60 કરોડ મહિલા અનપેઇડ કેરવર્કમાં છે. આથી તેઓ રોજગાર માટે સમય આપી શકતી નથી. ભારતમાં આવી 37 કરોડ મહિલા છે. વિશ્વમાં અનપેઇડ કેરવર્ક કુલ જીડીપીના 9% છે. ભારતમાં પેઇડ-અનપેઇડ મહિલા કેરગિવરનું અર્થતંત્રમાં યોગદાન 15% છે. જો તેમને શીખવવામાં આવે તો અર્થતંત્રમાં એટલું જ યોગદાન થશે.
વિકસિત દેશોમાં સ્કિલ્ડ કેરગિવરનો ટ્રેન્ડ
ફિક્કીના રિપોર્ટ અનુસાર વિકસિત દેશોમાં અનપેઈડ કેરગિવર મહિલાઓને સ્થાને સ્કિલ્ડ કેરગિવરને રાખવાનો ટ્રેન્ડ છે. અમેરિકા, જાપાન, ફ્રાન્સ, ઇટલી, સ્પેન જેવા દેશોમાં 80% મહિલાઓનું અર્થતંત્રમાં યોગદાન છે.