મનોરંજનની દુનિયાના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કાર એવોર્ડ પર દરેકની નજર હોય છે. દરવર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોની આતુરતાથી રાહ જુએ છે. તાજેતરમાં, 10 માર્ચે 96મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી વર્ષ માટેની નવી ટાઇમલાઇન પણ બહાર પાડવામાં આવી છે.
ઓસ્કારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. તેણે તેના એક્સ એકાઉન્ટ પર સંપૂર્ણ વિગતો શેર કરી છે. ઓસ્કારનો ફોટો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, ‘માર્ક યોર કેલેન્ડર.’ 97મો ઓસ્કાર 2 માર્ચ, 2025 રવિવારના રોજ યોજાશે. નોમિનેશન 17 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવશે. દર વર્ષની જેમ આવતા વર્ષે પણ ઓસ્કાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતમાં તમે તેને 3 માર્ચે સવારે 4થી 4:30 વચ્ચે લાઈવ જોઈ શકો છો. ઉલ્લેખનીય છે આ વર્ષે ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’ એકમાત્ર એવી ભારતીય ફિલ્મ હતી જેને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી હતી. તે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી, પરંતુ ’20 ડેઝ ઇન મેરિયાપોલ’ આ કેટેગરીમાં જીતી હતી.