લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ૭ મેથી ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે જેમાં ગુજરાતની ૨૬ બેઠકો પણ સામેલ છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ૧૦ વર્ષ બાદ ગુજરાતમાં જીત મેળવવા માટે પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત જ નહીં બલ્કે દેશની સૌથી `ગરમ’ બેઠક એવી રાજકોટ લોકસભા બેઠક પર શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સભા સંબોધવા માટે આવી રહ્યા છે. આ પછી તેના બીજા જ દિવસે એટલે કે શનિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા રાજકોટ આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ બે દિવસની અંદર બન્ને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રાજકોટમાં હોવાથી વાતાવરણમાં ગરમાવો આવી જવાની શક્યતા છે.
શહેર ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે જે.પી.નડ્ડાની રાજકોટમાં જાહેરસભા થવાની શક્યતા બહુ ઓછી હોવાને કારણે તેમનો રોડ-શો કરવાની તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ ગરમીને ધ્યાનમાં રાખી સવારે કે બપોરે રોડ-શો યોજવાની જગ્યાએ સમી સાંજે કાર્યક્રમ ગોઠવવા માટે બેઠકો ચાલી રહી છે. જો કે હજુ સુધી આ અંગેનો રૂટ નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં તેને અંતિમ રૂપ આપીને જાહેરાત કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭ મેએ ગુજરાતમાં મતદાન થાય તેના ત્રણ દિવસ અગાઉ કોંગ્રેસ તો બે દિવસ અગાઉ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજકોટ આવશે. રવિવારથી રાજકોટ સહિત ગુજરાતની તમામ બેઠક ઉપર પ્રચાર-પ્રસાર શાંત થઈ જાય તે પહેલાં મતદારોને પોતાના અંકે કરી લેવા એડીચોટીનું જોર લગાવવામાં આવશે.