પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બીજીતરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાઈક પર બેસી ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાહત કાર્યની સમીક્ષા કરી હતી.
ઘટનાસ્થળે પહોંચવાનો રસ્તો કાચો હોવાથી ત્યાં વાહનો પહોંચી શકતા નથી આ ઉપરાંત ગાડીમાં જવામાં પણ ઘણો સમય લાગે છે, તેથી રેલવે મંત્રીએ તુરંત બાઈકનો સહારો લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દાર્જિલિંગ જિલ્લાના રંગાપાની સ્ટેશન પર પહોંચેલા રેલવે મંત્રીએ રાહત કાર્યની સમીક્ષા કરી હતી.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.50 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનને વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. જ્યારે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.