મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત ભૂકંપની સ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના નવા વાદળો ઘેરાયા છે. મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. એકનાથ શિંદે પોતાના સમર્થકો સાથે મહારાષ્ટ્ર છોડી ગુજરાત પહોંચ્યા છે. મહારાષ્ટ્રના મંત્રીઓ સુરતની ફાઇવસ્ટાર હોટલ લા મેરેડિયનમાં રોકાયા છે. એવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે.
એકનાથ શિંદે સાથે કેટલાંક ધારાસભ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રાજકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ C.R પાટીલની સુરતમાં સૂચક હાજરી જોવા મળી રહી છે. મહત્વનું છે કે, C.R પાટીલે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા. તમામને પહેલાં લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાખવાનું આયોજન હતું પરંતુ અંતિમ ઘડીએ તમામને હોટલમાં રાખવાનો નિર્ણય કરી તેમને હોટલમાં રોકવામાં આવ્યા છે. હોટલ પોલિટિક્સના કારણે હોટલથી 100 મીટર દૂરથી જ પોલીસે બેરિકેટિંગ કરી નો એન્ટ્રી કરી દીધી છે.
મહત્વનું છે કે, શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર પણ એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. તો બીજી બાજુ NCP નેતા શરદ પવાર બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી છે.