ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રાજકિય ઘમાસાણ અને રાષ્ટ્રપતિ ચૂંટણીના પડઘમ વચ્ચે ગરૂવારે ગાંધીનગરમાં ભાજપ ધારાસભ્યદળની બેઠક મળશે. સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસે આ બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા CM પટેલ અને સી.આર.પાટીલ કરશે. બેઠકમાં તમામ મંત્રીઓ, MP, MLAને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્રના નેતાઓ બી.એલ.સંતોષ અને તરુણજી ચુગ બેઠકમાં હાજર રહેશે.
એક તરફ કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવી લીધા છે. બીજી તરફ ગુજરાતમાં શાસક પક્ષ ભાજપે એકાએક ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. જે સીધો સંકેત આપે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઇ શકે છે. મહારાષ્ટ્રમાં હાલ વિધાનસભા ભંગ થાય તેવી સ્થિતિ ઊભી થઈ ચૂકી છે તેવામાં ગુજરાતમાં પણ વિધાનસભા ભંગ કરવાના નિર્ણય લેવાય તો નવાઈ નહીં. પણ હાલ તો ગુજરાતમાં સરકાર સ્થિર છે પણ રાજકિય ગઠજોડને જોતાં ગમે ત્યારે પાસા બદલાય તેવા સંકેત છે. જો કે આ બેઠક કેમ બોલાવી તેનો કોઈ એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી.
ગુજરાતમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તેની રણનીતિના ભાગ રૂપે તેમજ ધારાસભ્યો અને મંત્રીઑ તેમજ સાંસદોને અલગ અલગ ટાસ્ક સોંપાવ પણ આ બેઠક બોલાવવામાં આવી હાઈ શકે. તો બીજી તરફ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ તૈયારી તેમજ માર્ગદર્શનના ભાગરૂપે પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી સંભાવના છે.