કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં વિદેશ પ્રવાસે છે. એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ચીન પર લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શકતા નથી.
વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે “ચીની સૈનિકોએ લદ્દાખમાં દિલ્હીની સમકક્ષ જમીન પર કબજો જમાવ્યો છે અને મને લાગે છે કે તે એક આપત્તિ છે. મીડિયા તેના વિશે લખવાનું પસંદ નથી કરતું.
પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો પર તેમણે કહ્યું, “પાકિસ્તાન દ્વારા આપણા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાથી બંને દેશો પાછળ ધકેલાઈ રહ્યા છે. પાકિસ્તાન આપણા પર પાછળથી હુમલો કરી રહ્યું છે અને અમે સ્વીકારીશું નહીં કે પાકિસ્તાન આપણા દેશ પર આ રીતે હુમલો કરી રહ્યું છે.” જ્યાં સુધી પાકિસ્તાન આમ કરતું રહેશે, ત્યાં સુધી બંને દેશો વચ્ચેની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે.
બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધો અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બાંગ્લાદેશના લોકો સાથે અમારો લાંબા સમયથી સંબંધ છે. મારી દાદી બાંગ્લાદેશના નિર્માણમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા. મને લાગે છે કે બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વોને લઈને ભારતમાં ચિંતાઓ છે. જો કે, મને વિશ્વાસ છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ સ્થિર થશે અને અમે વર્તમાન સરકાર અથવા તેના પછી આવનારી કોઈપણ સરકાર સાથે સંબંધ બાંધવામાં સક્ષમ થઈશું.”
તેમણે કહ્યું હતું કે “અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેઓએ અમારી સાથે વાત પણ કરી હતી. અમે કોઈપણ પ્રકારની હિંસા વિરુદ્ધ છીએ અને તેને બંધ કરવા ઈચ્છીએ છીએ. તેને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની જવાબદારી બાંગ્લાદેશી સરકારની છે. અમારી સરકારની જવાબદારી દબાણ બનાવવાની છે જેથી હિંસા અટકે.