17 ઓગસ્ટે સોની ફળિયાની એક મૂર્તિ વિક્રેતાની દુકાનમાં ઘુસી પ્રતિમાની તોડફોડ કરવાની ઘટના બની હતી. જો કે, જે તે સમયે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. હવે સૈયદપુરાની ઘટના બદના આખરે 23 દિવસ પછી પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને બે મહિલાની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રૂદરપુરા ખારવાવાડ ખાતે રહેતા રાહુલ હીરાલાલ ખલાસીના મોટા ભાઇ વિશાલ, સોની ફળિયા, એનિબેસન્ટ હોલ સામે આવેલા શ્વેતા એપાર્ટમેન્ટમાં આવેલી દુકાનમાં ગણેશ પ્રતિમા વેચવાનો ધંધો કરતા હતા. તે મુર્તિકાર પાસેથી મુર્તિ બનાવડાવી વેચાણ કરતા હતા.
તેમની આ દુકાનમાં અનેક પ્રતિમાઓ હતી. તા.17મી ઓગસ્ટના રોજ બપોરે તેઓ કામ અર્થે બહાર ગયા હતા અને તેમની દુકાન ખુલી હતી. તે દરમિયાન કોઇએ દુકાનમાં ઘુસીને પ્રતિમાની તોડફોડ કરી આશરે રૂ.60000નું નુકસાન કર્યું હતું. ત્યારે કોઇ બાળકની ભુલ હશે તેમ માનીને પોલીસ ફરિયાદ કરી ન હતી. જોકે, સૈયદપુરામાં બનેલા બનાવ બાદ રાહુલે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરીને ચોકબજા કિલ્લા પાસે બ્રિજ પાસે રહેતી લાઇલા સલીમ શેખ અને કમાલગલી શાબીર પ્લાસ્ટિકવાળાની દુકાન પાસે ફુટપાથ પર રહેતા રુબીના ઇરફાન પઠાણની ધરપકડ કરી છે.