ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા બાડમેરમાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જપ્ત કરવામાં આવી છે. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ તૈયાર કરીને રાજસ્થાન, ગુજરાત અને દેશના મોટા શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હતું.
છેલ્લા કેટલાક સમયથી બાડમેરના રામસર પોલીસ સ્ટેશન હેઠળના સુમસામ રેતાળ વિસ્તારમાં ઝૂંપડું અને ઓરડી બનાવીને આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે મંગળવારે સ્થાનિક પોલીસની મદદથી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. અહીંથી ડ્રગ બનાવવાના મશીન, પ્રવાહી, કેમિકલ, જનરેટર અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. એક યુવકની અટકાયત કરવામાં આવી છે.આ મામલે રામસર પોલીસ સ્ટેશનની બેદરકારી પણ સામે આવી છે. આ પછી એસપી નરેન્દ્ર સિંહ મીણાએ રામસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સુરતમાં MD ડ્રગ્સ અંગે કાર્યવાહી કરી હતી. જેમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન યુવકે બાડમેરથી ડ્રગ લાવ્યો હોવાની માહિતી આપી હતી. NCBએ આ અંગે ગુજરાત ડીઆરઆઈને જાણ કરી હતી. આ પછી, ગુજરાત ડીઆરઆઈની ટીમ સ્થાનિક પોલીસ સાથે બાડમેર પહોંચી હતી.