વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ પ્રવાસ સમયે કરેલા વિધાનો બદલ ભારતમાં તેમની મુશ્કેલી વધી શકે છે અને રાહુલે જે રીતે શીખ સમુદાય મુદ્દે ટીપ્પણી કરી છે તે મુદ્દે હવે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને સુપ્રીમ કોર્ટ સુધી ફરિયાદ થાય તેવી શકયતા છે.
સીનીયર ધારાશાસ્ત્રી વિનીત જિંદાલે રાહુલ ગાંધીના વિધાનો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને દિલ્હી પોલીસ કમિશ્નર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. રાહુલે અમેરિકામાં એવું જણાવ્યું હતું કે ભારતમાં આજે એ લડાઇ ચાલી રહી છે કે કોઇ શીખ વ્યકિત પોતાની પાઘડી પહેરી શકે કે ગુરૂદ્વારા જઇ શકશે.
જિંદાલે આ અંગેનો વિડીયો પણ પોતાની ફરિયાદમાં જોડયો છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીએ શીખોને ભડકાવાની કોશીશ કરી છે અને તે રીતે સમાજમાં અશાંતિ સર્જવા માંગે છે. રાહુલ ગાંધીનું વિધાન કોઇ પણ રીતે સાચુ નથી. દેશમાં કયાંય પણ શીખોને પાઘડી પહેરતા, કડુ પહેરતા કે ગુરૂદ્વારા જતા અટકાવતા નથી.
બીજી તરફ કોંગ્રેસ પક્ષે એક વિડીયો જાહેર કરીને તેમાં ભાજપના એક નેતા રાહુલ ગાંધીને ધમકી આપી રહ્યા હોય તે દર્શાવતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ મુદ્દે ચુપ રહી શકે નહીં. આ વિડીયોમાં એવી ધમકી આપવામાં આવી છે કે રાહુલ ગાંધી તમે જો સમજશો નહીં તો આવનારો સમય તમારો નહીં હોય અને તમારા એ જ હાલ થશે જે તમારા દાદીના થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની હત્યા થઇ હતી. કોંગ્રેસ પક્ષે આ અંગે પોસ્ટમાં લખ્યુ છે કે શું કોઇ વ્યકિત આ રીતે ખુલ્લેઆમ ધમકી આપી શકે અને શું વડાપ્રધાન અને ગૃહમંત્રી તેમાં ચૂપ રહી શકે.