બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈમાં ત્રણ શો થવાના છે, જેને લઈને દેશભરમાં સંગીતના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. શો માણવા માટે ચાહકો ટિકિટ ખરીદવા તલપાપડ છે. ત્યારે ઓનલાઈન ટિકિટ વેચાઈ ગઈ છે. તેવામાં સાયબર છેતરપિંડી કરનારાઓ માટે જાણે આ સોનેરી તક બનીને આવી છે. સુરત શહેરના ચાર યુવકો આવા સાયબર ગઠિયાઓની કરતૂતોનો શિકાર બન્યાં છે. એક તરફ શહેરના ચાર યુવાનને શોની ટિકિટ મળી રહી નહોતી, તો બીજી તરફ સરળતાથી ટિકિટ મળવાના લોભમાં સુરતના યુવાનોએ એક લિંક પર ક્લિક કરી હતી, તો ટિકિટ મેળવવા જતાં તેમણે 4 લાખ રૂપિયા ગુમાવી દીધા છે, જેની તપાસ હાલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ચાર યુવકો ટિકિટ મેળવવા માટે છેલ્લા ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે પણ તેઓએ ઓનલાઈન પ્રયાસ કર્યો ત્યારે તેમને નિરાશા હાથ લાગી અને સાઇટ ક્રેશ જોવા મળી હતી. દરમિયાન, તેમને સોશિયલ મીડિયા દ્વારા એક લિંક મળી, જેમાં કોન્સર્ટની ટિકિટ ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં એ ટિકિટ પણ હાઉસફુલ થઈ જશે તેવી જાણકારી મળી, જેથી તેઓએ તાત્કાલિક આ લિંક પર ક્લિક કરી ટિકિટ બુક કરવા માટેની પ્રોસિજર હાથ ધરી હતી. પરંતુ ચારે યુવાઓએ ટિકિટના એક-એક લાખ રૂપિયા તો આપ્યા પરંતુ પછીથી ખબર પડી કે તેઓ સાયબર ફ્રોડના શિકાર થઈ ગયા છે. લાખો ગુમાવ્યા ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. આખરે આ અંગે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
બ્લેકમાં સાત લાખની કિંમતમાં વેચાય છે ટિકિટ
હાલમાં, સાયબર ક્રાઇમના આરોપીઓ મોટા કાર્યક્રમો અને કોન્સર્ટને સાયબર ફ્રોડ કરવા માટે માધ્યમ બનાવી રહ્યા છે અને હાલ જે રીતે દેશભરમાં કોલ્ડપ્લેનો ક્રેઝ જોવા મળે છે, તે સાયબરના અપરાધીઓ માટે જાણે સોનેરી તક બની છે. હાલમાં જ એક અરજી પોલીસ મુખ્યાલય ખાતે થઈ હતી, જેમાં દિલજીતના કોન્સર્ટમાં ઓનલાઇન ટિકિટ ખરીદવા ગયેલા યુવાન સાથે પણ સાયબર છેતરપિંડી થઈ હતી. આ ક્ષેત્રના જાણકારો પાસેથી મળતી માહિતી મુજબ 18 જાન્યુઆરીનાં શો માટે ટિકિટની કિંમત 38,000 રૂપિયાથી લઇને 3 લાખ રૂપિયા સુધી જાય છે. જ્યારે એક ટિકિટની કિંમત 7.7 લાખ રૂપિયા સુધી જોવા મળી રહી છે.