ગુજરાતની સરકારી 11 યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ માટે વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) મારફતે આજથી એટલે કે, તા. 1 થી 10મી ઓક્ટોબર દરમિયાન પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ચોઈસ ફિલિંગ કરી શકશે. ત્યારબાદ યુનિવર્સિટીઓ દ્વારા રિસિવિંગ સેન્ટર પર પોતાના નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. યુનિવર્સિટીઓ દ્વારા 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ માટેની પ્રોસેસ જાહેર કરવામાં આવશે. GCAS રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીઓએ રૂ. 300 ફી ભરવાની રહેશે અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પરીક્ષા કે પ્રોસેસ માટે જે ફી નક્કી કરવામાં આવે તે વિદ્યાર્થીઓએ ચૂકવવાની રહેશે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની વિશ્વ વિદ્યાલયોમાં NET (નેશનલ એલીજીબિલિટી ટેસ્ટ) પાસને જ એડમિશન મળશે કે પ્રવેશ પરીક્ષા રાખવામાં આવશે તેનો કોઈ કાર્યક્રમ જે-તે યુનિવર્સિટી દ્વારા જાહેર થયો નથી.
GCAS (મારફતે સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી(Phd.) પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 1લી ઓક્ટોબરથી પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ થશે અને 11મી ઓક્ટોબરના રોજ પ્રવેશ કાર્યવાહી માટે યુનિવર્સિટી દ્વારા પ્રોસેસ જાહેર કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી 10મી ઓક્ટોબર દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા GCAS મારફતે ફોર્મ ભરવાનું રહેશે અને તેની સાથે જ ચોઈસ ફિલિંગ, રજિસ્ટ્રેશન ફી પેમેન્ટ કરી એપ્લિકેશન સબમીટ કરવાની રહેશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીઓએ પોતાના શિડ્યુઅલ અનુસાર ઓનલાઈન એપ્લિકેશનની ચકાસણી કરવાની રહેશે. જેમાં યુનિવર્સિટીના પીએચડી વેરિફિકેશન સેન્ટર ખાતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી પણ કરવાની રહેશે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા એડમિશન પ્રોસેસ જાહેર કરવામાં આવશે.