દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે. મુર્મૂએ BJD અને YSR કોંગ્રેસના સમર્થનથી બહુમતી પાર કરી છે. NDA દ્વારા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારબાદ આજે મુર્મૂ પણ પોતાનું નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે.
વિપક્ષે ભલે યશવંત સિન્હાને આ ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત જણાય છે. આ જ કારણ છે કે ભાજપ અને સમગ્ર એનડીએ મુર્મૂની જીતને લઈને પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટ વેલ્યુના આંકડા મુજબ NDAનો મોટો હાથ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભાના 540 સાંસદો અને રાજ્યસભાના 229 સાંસદો સિવાય રાજ્યની વિધાનસભાઓના કુલ 4033 ધારાસભ્યો મતદાન કરે છે. આ તમામ જનપ્રતિનિધિઓના મતની કિંમત ચૂંટણી દરમિયાન ગણવામાં આવે છે. કુલ મતનું મૂલ્ય 10,78,915 છે, જ્યારે કોઈપણ ઉમેદવારને બહુમત માટે 5,39,458ની જરૂર છે.