રાહુલ ગાંધીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર 4 મિનિટ 39 સેકન્ડની વીડિયો ક્લિપ (ટીઝર) પોસ્ટ કરી હતી. આમાં તેઓ કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડા અને સેબીના વડા માધબી બુચના કથિત હિતોના સંઘર્ષની વાત કરી રહ્યા છે. રાહુલે કહ્યું કે, સંસ્થાકીય પતનથી હવે ભત્રીજાવાદના વધુ ખતરનાક સ્વરૂપ ‘અદાણી બચાવો સિન્ડિકેટ’ને જન્મ આપ્યો છે. વર્તમાન સરકાર હવે માત્ર એકાધિકારને પ્રોત્સાહન આપી રહી નથી, પરંતુ સક્રિયપણે દેશની સંપત્તિ થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત કરી રહી છે.તેમણે કહ્યું કે, માધબી બુચ કાંડ જે વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે. શક્ય છે કે રિટેલ રોકાણકારોના રક્ષણની જવાબદારી સંભાળતા બુચ અદાણીના હિતોના રક્ષણ માટે સિસ્ટમ સાથે છેડછાડ કરતા હોય.
સેબી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ ભારત સરકારની સંસ્થા છે. શેરબજારના રોકાણકારોની સુરક્ષા માટે વર્ષ 1992માં તેની સ્થાપના કરવામાં આવી હતી. જાન્યુઆરી 2023 માં, હિંડનબર્ગે ગૌતમ અદાણી પર તેમના જૂથના શેરના ભાવ વધારવા માટે ઓફશોર ફંડ્સનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. અદાણીએ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. આ મામલાની તપાસ સેબીને સોંપવામાં આવી હતી.