ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરી, 2025ના રોજ થશે. નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 20 જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડિંગમાં યોજાશે.
આ દિવસે સૌથી પહેલા નવા રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનથી નીકળીને ચર્ચમાં જશે. આ પરંપરા 1933માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ સિવાય પરંપરા એવી પણ રહી છે કે કેપિટલ બિલ્ડિંગમાં આવતા પહેલાં નવા રાષ્ટ્રપતિ વર્તમાન રાષ્ટ્રપતિને મળવા વ્હાઇટ હાઉસ જાય છે. અહીં બંને વચ્ચે વાતચીત થાય છે. જો કે, જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના શપથ ગ્રહણ દરમિયાન વેકેશન પર ગયા હતા. આવી સ્થિતિમાં, જો બાઈડન આ વખતે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો તેમના શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે જોવું રહ્યું.
વ્હાઇટ હાઉસમાં પૂર્વ રાષ્ટ્રપતિને મળ્યા બાદ નવા રાષ્ટ્રપતિ કેપિટલ બિલ્ડિંગમાં જશે. અહીં કોંગ્રેસના સભ્યો સહિત ઘણા મહેમાનો રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં હાજર રહેશે.
સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કેપિટલ બિલ્ડિંગમાં શપથ લેશે. રાષ્ટ્રપતિ થોડા સમય બાદ શપથ લેશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રાષ્ટ્રપતિને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ એ જ એક લાઈનના શપથ લે છે જે પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન દ્વારા લેવામાં આવ્યા હતા.
1933માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટના શપથ પહેલા 20મા બંધારણીય સુધારાએ નવા કાર્યકાળની શરૂઆતની તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી. 2013માં બરાક ઓબામાએ સોમવારે, 21 જાન્યુઆરીએ તેમનો કાર્યકાળ શરૂ કર્યો હતો. તેમના પહેલા રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈઝનહાવર અને રોનાલ્ડ રીગને પણ 21 જાન્યુઆરીથી કાર્યભાર સંભાળ્યો હતો.





