રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક સત્ર 2022-23ના નવમાંથી 12 ધોરણ સુધીના પાઠ્યક્રમમાંથી કેટલાય ચેપ્ટર હટાવી દીધા છે. આ સત્ર માટે સીબીએસઈની વેબસાઈટ પર નવો અભ્યાસક્રમ અપલોડ કરી દીધો છે. નવામાં કાવ્યખંડમાંથી ચંદ્રકાંત દેવતાલેનો પાઠ યમરાજ કી દિશા અને ગદ્ય ખંડમાંથી હજારી પ્રસાદ દ્વિવેદીનો પાઠ એક કુત્તા ઔર એક મેના તથા વિદ્યાસગર નૌટિયાલનો માટી પાઠ હટાવી દીધો છે.
અગિયારમાં ધોરણમાં ઈતિહાસની બુકમાંથી ઈસ્લામનો ઉદય અને બારમા ધોરણમાંથી મુગલ સામ્રાજ્ય હટાવી દીધું છે. સીબીએસઈએ નિશ્ચિત માપદંડ અનુસાર, દશમાં ધોરણમાંથી રાજનીતિ વિજ્ઞાનની બુકમાંથી અધ્યાય ચારમાં જાતિ, ધર્મ અને લૈંગિક મામલામાં ઉદાહરણ તરીકે આપવામાં આવેલી ફૈઝ અહમદ ફૈઝની શાયરીની હટાવી દીધી છે. 11માં ધોરણની વિશ્વ ઈતિહાસ નામની બુકમાંથી સેન્ટ્રલ ઈસ્લામિક લૈંડ અધ્યાયને હટાવી દેવામાં આવ્યો છે. આ અધ્યાયમાં વિદ્યાર્થીઓને ઈસ્લામના ઉદય અને વિકાસ, સાતમીથી બારમી સદીની વચ્ચે ઈસ્લામનો વિસ્તાર વિશે જાણકારી આપવામાં આવી હતી. આવી જ રીતે ધોરણ 12ના ઈતિહાસમાં નવમાં અધ્યાયમાં મુગલ સામ્રાજ્ય હટાવી દીધું છે. આ અધ્યાયનો અભ્યાસ નવા શૈક્ષણિક સત્રથી નહીં થાય. બોર્ડની નવી વ્યવસ્થા એક સાથે સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવી છે.
બોર્ડે 12માં ધોરણના પુસ્તકમાં પાષાણકાળમાં પૃથ્વી પર મનુષ્યનો ઉદય અને વિકાસ, ઔદ્યોગિક ક્રાંતિનો પાઠ્યક્રમ હટાવી દીધો છે. તેમાં ઈંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિના કારણે અને પ્રભાવ, સામ્રાજ્યવાદને કેવી રીતે પ્રોત્સાહન મળ્યું તેના વિશે શણાવટ કરવામાં આવી હતી.
હિન્દીમાં 12માં ધોરણમાંથી નમક પાઠને હટાવી દીધો છે.આ ઉપરાંત એન ફ્રેંકની ડાયરીના પન્નાને પણ હટાવી દીધા છે. દશમાં ધોરણમાંથી સર્વેશ્વર દયાલ સક્સેનાની માનવીય કરણાની દિવ્ય ચમક, જોર્જ પંચમ કી નાક, ઋતુરાજ કા કન્યાદાન પાઠને પણ હટાવી દેવામાં આવ્યો છે.