ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી તળાજા ખાતેની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયાં બાદ ભાવનગર પરત ફરી રહ્યાં હતાં. આ સમયે તેમણે ઘોઘા રોડ પરના પીપળીયા પુલ નજીક એક છકડો રીક્ષા પલટી ખાઇ ગયેલી જોઈને તાત્કાલિક પોતાના વાહન ચાલકને પોતાનું વાહન રોકવા આદેશ આપીને તરત જ તેઓ નીચે ઉતરીને આ રીક્ષા નીચે કચડાયેલા લોકોની મદદ માટે દોડી ગયાં હતાં.
જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા પોતે એમ.બી.બી.એસ. ડોક્ટર છે અને કટોકટીની અને વિપતની આ ઘડીમાં તેમની નૈતિક ફરજ સમજીને આઈ.એ.એસ.નો લીબાસ ઉતારીને ડોક્ટર તરીકેની સેવા બજાવતાં તાત્કાલિક અકસ્માતોને પ્રાથમિક સારવાર આપી હતી. તેમણે સ્થળ પરથી જ જાતે જ ૧૦૮ ને ફોન કરીને તુરંત એમ્બ્યુલન્સ મોકલવા માટે જાણ કરી હતી. તદુપરાંત ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સાથે વાતચીત કરીને જરૂરી વ્યવસ્થાઓ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઘોઘા રોડ પરના પીપળીયા પુલ પાસે એક છકડા રિક્ષા ચાલકે છકડા પરનો કાબુ ગુમાવતા છકડો રિક્ષા પલટી મારી ગઇ હતી અને તેમાં સવાર ત્રણ લોકોને ઇજા પહોંચી હતી.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવીને પોતે મેળવેલા તબીબી જ્ઞાનનો ઇજાગ્રસ્ત લોકોની સારવાર માટે ઉપયોગ કર્યો હતો.