જતીન સંઘવી ;ભાવનગરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે અષાઢી બીજના પર્વે પરંપરાગત રીતે નગરયાત્રાએ નિકળનાર છે, જેની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. ભાવનગરની રથયાત્રા સમગ્ર ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમે આવે છે જે પ્રત્યેક ભાવનગરી માટે ગૌરવપ્રદ છે, કહી શકાય કે જગન્નાથજી રથયાત્રા ભાવનગરની આગવી ઓળખ બની છે. પ્રત્યેક ભાવનગરીને તેનું ગૌરવ હોય તે સ્વભાવિક છે. ભાવનગર મહાપાલિકાના મેયર કીર્તિબેન દાણીધારીયાએ નૈતિક જવાબદારી સમજી ભગવાનના વિચરણ પૂર્વે મહાપાલિકા તંત્રને સાથે રાખી મંગળવારે સાંજે રથયાત્રાના સમગ્ર રૂટનો રાઉન્ડ લેવાનું નક્કી કર્યું છે.
મેયર કીર્તિબેન એ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર પદાધિકારીઓ એ તંત્ર વાહકોને સાથે રાખી રાઉન્ડ લેવા નક્કી કર્યું છે, જેથી રસ્તામાં ખાડા, વૃક્ષની નડતી ડાળીઓ, સ્વચ્છતા જેવી બાબતોનો ખ્યાલ આવી શકે. મેયર, ચેરમેન સમેત પદાધિકારીઓ રથયાત્રાના રૂટ પર રાઉન્ડ લે તેવું લગભગ અગાઉ જોવા મળ્યું નથી. કીર્તિબેનએ જણાવ્યું કે, “ભગવાન સ્વયં દર્શન આપવા નીકળવાના હોય ત્યારે શહેરના પ્રથમ નાગરિક તરીકે રથયાત્રા રૂટનું નિદર્શન કરવું તે નૈતિક જવાબદારી બની જાય છે, અમે – પદાધિકારીઓ આ વર્ષથી રથયાત્રાના સમગ્ર રૂટ પર રાઉન્ડ લેવાનો પ્રયોગ કરી રહયા છીએ.”