૧૮૬૦ થી આ દેશ ગૌ -સંવર્ધન અને ગાયની શ્રેષ્ઠ ઓલાદ માટે જાગ્રત થયો અને આજે અવલ્લ છે
બ્રાઝીલ નામના દક્ષિણ અમેરિકાના દેશનું નામ આવે એટલે આપોઆપ ગીર ગાયનું નામ યાદ આવી જ જાય.
ભારતની મૂર્તિપૂજાક પ્રજા જાે ગાયને ભગવાનનું સ્વરૂપ માનતી હોય તો પછી હિંદુઓએ બ્રાઝીલ પણ જવું જાેઈએ.
૧૯ મી સદીના પાછળના દસકાઓમા એટલે કે ૧૮૬૦ થી આ દેશ ગૌ -સંવર્ધન અને ગાયની શ્રેષ્ઠ ઓલાદ માટે જાગ્રત થયો. ભારતમાંથી ઉત્તમ નસલની ગીર (ગુજરાત), કાંકરેજ (ગુજરાત), ઓન્ગલ (આંધ્ર) અને રેડસિંધી ( પંજાબ ) વગેરે ભારતીય નસલોની શુદ્ધ ગાયો બ્રાઝીલ લઇ જવી શરુ કરી અને એનું સંવર્ધન વિજ્ઞાનિક ઢબે શરુ કર્યું. ધીરે ધીરે આ નસલોની ગાયોના જીન્સમાં અદ્દભૂત સુધારો કર્યો. છેલ્લા ૭૦ વરસથી તમામ ગાય અને એ ગાય ક્યાં સાંઢની ઔલાદ છે, તથા કઈ ગાયની કુખેથી કઈ… કઈ ગાયો જન્મી છે તેનો આધારભૂત રેકોર્ડ રાખવામા આવ્યો છે. ગાયોના એક ધણને એક ચોક્ક્સ સાંઢથી સંવર્ધન કરાવવામા આવે છે. બાદમા એ સાંઢને નિશ્ચિતપણે બદલી અને બીજા ધણ અને વિસ્તારમા મુકવામા આવે છે જેથી આવનારા ગૌવંશમા કોઈ જિનેટિક ગરબડ ના થાય અને પશુમા કોઈ રોગ ના આવે. આને ઓર્ગેનાઇઝ્ડ બ્રિડિંગ કહેવામા આવે છે. ઉત્તમ નસલની ગાયોને જિનેટિક અને ફીનેટિક એટલેકે ગુણ અને રૂપ બેઉ રીતે ગાયની ગુણવત્તાનું બારીકાઈથી ધ્યાન રાખવામા આવે છે. ૧૯૪૦મા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાસેથી ઉત્તમ પ્રકારની કેટલીક ગીર ગાયો તથા ક્રિષ્ના નામનો એક સાંઢ ખાસ બ્રાઝીલ લઇ જવામાં આવ્યો હતો. બ્રાઝીલ ભારતમાંથી કુલ ૬૦૦૦ શુદ્ધ ભારતીય નસલોની ગાયો લઇ ગયું હતું.
૧૯૬૦મા બ્રાઝિલમા કુલ ૫ કરોડ ગાયો હતી જયારે ૨૦૧૫ મા એ સંખ્યા ૨૧ કરોડ ૪૦ લાખ એ પહોંચી છે.જેમા ૯૦% એટલેકે ૧૯ કરોડ ૨૬ લાખ ગાયો શુદ્ધ નસલની ભારતીય ગાયો છે. અને બાકીની ૧૦% પણ મૂળભૂત રીતે ભારતીય નસલની બ્રીડ એવી ઇન્ડો-બ્રાઝીલ અને અમેરિકા એ વિક્સાવેલી બ્રાહ્મણ બ્રીડ છે. ૯૦% શુદ્ધ ભારતીય નસલોમા ૧૬ કરોડ ઓન્ગલ ગાય, ૫૦ લાખ ગીર ગાય તથા બાકીની ૨ કરોડ ૭૨ લાખ ગાયો કાંકરેજ અને રેડ સિંધી છે. બ્રાઝીલ ની વસ્તી ૨૦ કરોડ છે અને આ દેશમા ૨૧ કરોડ ૪૦ લાખ શુદ્ધ ભારતીય નસલોની ગાયો છે. ભારતમા આજે શુદ્ધ નસલની ગીર ગાયો ૫૦૦૦થી વધુ નથી. જાે કે ગુજરાત અને રાજસ્થાનમા ભેગી મળી અને ૨૧ લાખ ગીર ગાયોનો સરકારી દાવો છે. આવી જ રીતે આંધ્રમા શુદ્ધ નસલની ઓન્ગલ ગાયો ૧૦૦૦ થી વધુ નથી. આવું જ પંજાબ ની રેડસિંધી અને ગુજરાતની કાંકરેજનું છે. ભારતીય ગાયોની નસલમા ઓર્ગેનાઇઝ્ડ બ્રિડિંગ દ્વારા કેટલો સુધારો કર્યો તે નીચેના આંકડા પરથી જાણી શકાય.
ભારતમા ગીર ગાય રોજનું ૭થી ૧૦ લિટર્સ દૂધ આપે છે. બ્રાઝીલની ગીર ગાય ૩૫ થી લઇ અને ૫૦ લિટર્સ દૂધ આપે છે. ભારતની ઓન્ગલ ગાય ૬ થી ૯ લિટર્સ દૂધ આપે છે. બ્રાઝીલની ઓન્ગલ ગાય ૧૮થી ૨૨ લિટર્સ દૂધ આપે છે. ભારતની કાંકરેજ ગાય ૭ થો ૯ લિટર્સ દૂધ આપે છે.બ્રાઝીલની કાંકરેજ ગાય ૨૨ થી ૨૭ લિટર્સ દૂધ આપે છે. ભારતની બધી ગાયોના દૂધ ઉત્પાદનની રાષ્ટ્રીય સરેરાશ ૨.૩૭ લિટર્સ છે. બ્રાઝીલની તમામ ગાયો ના દૂધ ઉત્પાદનની રાષ્ટ્રીય સરેરાશ ૭ લિટર્સ છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે સાચે ગાય માટે આદર અને ભક્તિભાવ ધરાવીએ છીએ કે કેમ ?? બ્રાઝીલની એવી કોઈ મોટી સંસ્કૃતિ નથી. બ્રાઝીલ ક્યારેય ગાયની પૂજા કરતુ નથી. પણ હા, બ્રાઝીલ આપણા જેવો દંભ કરવાના બદલે નક્કર કામ કરે છે.
– મેહુલ વી. પટેલ, ભાવનગર