મુંબઈના કુર્લામાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. આ ઈમારતને અગાઉ જર્જરિત જાહેર કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને સમારકામ યોગ્ય જાહેર કરવામાં આવી હતી. BMCના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 1973માં બનેલી ઈમારતના રહેવાસીઓએ તેનું સમારકામ કરાવવાની પહેલ કરી હતી, પરંતુ દેખીતી રીતે કોઈ સમારકામ થયું ન હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની બે ટીમો સાથે ફાયર બ્રિગેડ, પોલીસ, નાગરિક અધિકારીઓએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી.
NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારે જણાવ્યું હતું કે, બચાવ કામગીરી સાંજે 6.30 વાગ્યે સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ કાટમાળ હટાવવાનું કામ હજુ પણ ચાલુ હતું. સોમવારે મધરાતથી અત્યાર સુધીમાં કુલ 33 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. BMC અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાંથી ચાર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્યને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે