શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલો ફ્લાવર શોની રોજના હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ફ્લાવર શો 2025ને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. ફ્લાવર શો હવે આગામી 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ સામાન્ય મુલાકાતીઓ માટે સમય સવારે 9.30થી સાંજે 5.30 કલાક સુધીનો રહેશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી દ્વારા લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેની સાત જાન્યુઆરી સુધીમાં આશરે લાખ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. ફ્લાવર શોને મળતા અદ્ભૂત પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવી શકાશે. પ્રિ વેડિંગ શૂટિંગ માટે સવારે 7થી 8 કલાક સુધીનો સ્લોટ આપવામાં આવશે. જેનો ચાર્જ રૂ. 25000 રહેશે. જેમાં વધુમાં વધુ 10 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે.
પ્રિ વેડિંગ શૂટિંગ માટેનો ચાર્જ સવારે 7થી 8 વાગ્યા સુધી રૂ. 25000 તેમજ સાંજે 6થી 12 વાગ્યા સુધીના રૂ. 35000 રહેશે. એક દિવસના વધુમાં વધુ 15 બુકીંગ લેવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મુવી/એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધીનો રહેશે. જેનો ચાર્જ રૂ. 1 લાખ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ 25 લોકોને પ્રવેશ આપવામાં આવશે. વેબ સિરીઝ તેમજ મુવી/એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટે 3 કલાકનો સ્લોટ અને પ્રતિદિન વધુમાં વધુ પાંચ બુકિંગ લેવામાં આવશે. પ્રિ-વેડિંગ શૂટિંગ માટે, વેબ સિરીઝ તેમજ મુવીઝ/ એડવર્ટાઇઝમેન્ટના સ્લોટ બુકીંગ www.ahmedabadcity.gov.in પરથી બુક કરી શકાશે.