સુપ્રીમ કોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરવા બદલ 6 દિવસની શરતી કસ્ટડી પેરોલ મંજૂર કરી.આ વખતે તાહિર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તરફથી મુસ્તફાબાદ બેઠક પરથી ઉમેદવાર છે. તાહિરે સુપ્રીમ કોર્ટને કહ્યું, ‘ચૂંટણી માટે ચાર દિવસ બાકી છે, તેમને ચૂંટણી પ્રચાર માટે ટૂંક સમયમાં વચગાળાના જામીન આપવા જોઈએ.’
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરીએ છે. પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર 3 ફેબ્રુઆરીની સાંજે સમાપ્ત થશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ‘હુસૈનને 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી દિવસના સમયે (જેલ મેન્યુઅલ મુજબ 12 કલાક) ચૂંટણી પ્રચાર માટે મુક્ત કરવામાં આવશે. રાત્રે જેલમાં પાછા ફરવું પડશે’. કોર્ટે હુસૈનને સુરક્ષા ખર્ચ તરીકે દરરોજ 2.47 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. આ રીતે તેમણે 6 દિવસમાં 14.82 લાખ રૂપિયા ચૂકવવા પડશે.