વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા છે. ત્યાં તેઓ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.ત્યારબાદ તેમણે ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતના 7 વિવિધ પહેલનું ઉદઘાટન કર્યુ હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજે જનધન, મોબાઈલ અને આધાર એટલે કે JAM(જેમ)નો ફાયદો ગરીબોને મળ્યો છે. આજે તેઓ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આજે બપોર બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમનો કાફલો ગાંધીનગર રવાના થયો હતો. રાજભવન ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના હસ્તે ટેક્નોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવી રહ્યો છે.
ડિજિટલ ઇન્ડિયા વીક-2022ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તા. 5થી 6 જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે.
આ ઉપરાંત ટેક્નોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનિકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી 200થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.
7થી 9 જુલાઈએ ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન
ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ ટેક્નોલૉજી આધારિત સોલ્યુશન્સ પણ તા. 7થી 9 જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં યોજાશે, જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા ડિજિટલ નોલેજનું આદાન-પ્રદાન કરાશે.
‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ
પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવનાર ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજી કલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં સરળતા થશે.