ભાવનગર શહેર અને જિલ્લામાં હવે ચોમાસાનો અસલી રાઉન્ડ શરૂ થયો હોય તેમ છેલ્લા ચાર દિવસથી ઓછો વધતો વરસાદ પડી રહ્યો છે જેમાં જેસર પંથકમાં ગઈકાલે ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે સોમવારે પણ સવા ઈચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને જળાશયોમાં પણ નવા નિરની આવક થવા પામી છે.
ભાવનગર શહેરમાં આજે સતત ત્રીજા દિવસે બપોરના સમયે ગોરંભાયેલા વાદળો વરસી પડ્યા હતા અને સતત ત્રીજા દિવસે એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સતત ત્રીજા દિવસે શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.ભાવનગર શહેર ઉપરાંત મહુવા અને તળાજા પંથકમાં પણ આજે જોરદાર એક ઇચ જેટલો વરસાદ પડ્યો હતો મહુવા તથા તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર શરૂ રહેતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો અને વાવણીમાં જોતરાયો હતો ભાવનગર જિલ્લાના ઉમરાળા, વલભીપુર, ગારીયાધાર તથા સિહોર પંથકમાં પણ હળવો ભારે વરસાદ પડ્યો હતો. ગોહિલવાડ પંથકમાં શરૂ થયેલા હળવા ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા નિરની આવક પણ શરૂ થઈ જવા પામી છે.
ચોમાસાની સિઝનમાં ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં જોઈએ તો સૌથી વધુ મહુવામાં સાત ઇંચ, ગારીયાધારમાં છ ઇંચ, ભાવનગર શહેરમાં સાડા પાંચ અને જેસર પંથકમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ સિઝનનો નોંધાયો છે.