દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરો આમ આદમી પાર્ટીના નેતાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આમાં દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, મુકેશ અહલાવત અને સંજય સિંહનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ACB દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો કોઈ જવાબ ન મળે તો આ પગલું ભરી શકે છે. જો AAP દ્વારા કોઈ જવાબ નહીં આપવામાં આવે તો ACB દિલ્હી પોલીસને પત્ર લખીને આ નેતાઓ સામે કાનૂની કાર્યવાહીની ભલામણ કરશે.
આ પહેલા 7 ફેબ્રુઆરીએ ACB ટીમ અરવિંદ કેજરીવાલ, સાંસદ સંજય સિંહ અને મુકેશ અહલાવતના ઘરે તપાસ માટે પહોંચી હતી. લગભગ દોઢ કલાક સુધી કેજરીવાલના ઘરની તપાસ કરી કાનૂની નોટિસ આપી અને ચાલ્યા ગયા. દિલ્હી ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા, કેજરીવાલે દાવો કર્યો હતો કે ભાજપ તેમના ધારાસભ્યો અને ઉમેદવારોને ફોન પર 15-15 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. આ પછી, ભાજપે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને પત્ર લખીને આરોપોની તપાસની માગ કરી હતી. એલજીએ તપાસની જવાબદારી એસીબીને સોંપી હતી.
નોટિસમાં, ACB એ કેજરીવાલ પાસેથી AAP ના 16 ધારાસભ્યો વિશે વિગતો માંગી હતી જેમને લાંચની ઓફર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ ધારાસભ્યોની સોશિયલ મીડિયા પોસ્ટ અને લાંચ આપનારાઓની ઓળખ સંબંધિત માહિતી પણ માંગવામાં આવી હતી. ACB એ AAP નેતાઓ પાસેથી આરોપો સંબંધિત તમામ પુરાવા માંગ્યા છે.